કેડિલા કપલ રાજીવ-મોનિકાના છુટાછેડા

Wednesday 10th October 2018 07:44 EDT
 
 

અમદાવાદઃ પ્રતિષ્ઠિત કેડિલા ફાર્માસ્યુટિકલના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકા સાથે સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ ફેમિલી કોર્ટમાં છુટાછેડા મેળવવા માટે અરજી કરી છે. આ અરજી પર ભાવિમાં સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ફિલ્મસ્ટાર ઋત્વિક રોશને સુઝાન ખાનને રૂ. ૪૦૦ કરોડ ચૂકવીને છુટાછેડા મેળવ્યા હતા. એ પછી રૂ. ૨૦૦ કરોડ ચૂકવીને છુટાછેડા લેવાનો આ બીજો કિસ્સો છે. મતલબ ગુજરાતમાં પત્નીને સૌથી વધુ રકમ ચૂકવીને છુટાછેડા લેવાનો આ પ્રથમ કિસ્સો છે. રાજીવ અને મોનિકા વચ્ચે ૨૯મી ઓગસ્ટના રોજ ઝઘડો થતાં સોલા પોલીસ મથકમાં મામલો પહોંચ્યો હતો. ત્યારે પોલીસ મથકમાં બન્નેને અલગ રૂમમાં બેસાડીને કાઉન્સેલિંગ કરાયું હતું. જોકે રાજીવ - મોનિકાએ છુટા પડવાનું નક્કી કર્યું હતું. રાજીવે રૂ. ૨૦૦ કરોડ ભરણપોષણ અને મોનિકાએ કેડિલામાંથી તમામ હક્કો જતા કરવાના દસ્તાવેજો પર સહીઓ કરવાનું સિનિયર એડવોકેટ સુધીર નાણાવટી અને રાજીવ મોદી તરફથી શાલિન મહેતાની હાજરીમાં નક્કી થયું હતું. સોલા પોલીસ મથકમાં નક્કી થયા પ્રમાણે રાજીવે રૂ. ૨૦૦ કરોડ આંબાવાડીની બેંક ઓફ બરોડામાં એક એસ્ક્રો એકાઉન્ટ ખોલાવી ભરી દીધા હતા. મોનિકાએ કેડિલામાં તેના હક્કો છોડી દેવાના દસ્તાવેજો ઉપર સહીઓ કરી હતી. આ એસ્ક્રો એકાઉન્ટ અને દસ્તાવેજો એ બંને પક્ષકારોના વકીલોના એસ્ક્રો એજન્ટ પાસે સંયુક્તપણે રહેશે. છૂટાછેડાની ડિક્રી પર કોર્ટની મોહર વાગે તે પછી પરસ્પર આપ લે કરી દેવાશે.

એલિમની પર ઈન્કમટેક્સ નહીં

ભરણપોષણ બે પ્રકાર પરમેનેન્ટ અને ટેમ્પરરીમાં પરમેનેન્ટમાં જે રકમ ચુકવાય તેના પર આવકવેરામાંથી મુક્તિ મળે છે. રાજીવ અને મોનિકાના કેસમાં પરમેનેન્ટ એલિમનીની શરત હોવાથી આ રકમ પર આવકવેરો લાગશે નહીં.

લગ્નજીવનના હક

સામાન્ય રીતે છુટાછેડાના કિસ્સામાં સંમતિથી કોર્ટમાં અરજી થાય તો કોર્ટ બંનેને વિચારવા છ માસનો સમય આપે, પણ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં છુટાછેડાનો સંમતિના કેસમાં ઝડપી નિર્ણયના આદેશ આ છુટાછેડાના કેસમાં લાગુ કરાયા છે. બન્ને ૨૦૧૨થી લગ્ન જીવનનો હક્ક ભોગવતા નહીં હોવાનો ઉલ્લેખ હોવાથી ફેમિલી કોર્ટમાં આ કેસનો ઝડપી નિર્ણય આવી શકે તેમ મનાય છે.
સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધાયેલાં લગ્ન બાદ છૂટાછેડા મેળવવા સામાન્યતઃ છ મહિનાનો સમય પુનઃ વિચારણા માટે અપાય છે.
પરંતુ સુપ્રીમ કોર્ટના હુકમ બાદ દંપતી લાંબા સમયથી બંને વચ્ચે પતિ-પત્નીનો સંબંધ ન હોવાનું દર્શાવે તો ફેરવિચારણા હોતી નથી. આથી મોદી દંપતીને આ મહિના અંતમાં જ છૂટાછેડા મળી શકે છે.

દીકરાની કસ્ટડી રાજીવ પાસે

દંપતીનો પુત્ર હાલમાં સગીર છે અને અમદાવાદમાં અભ્યાસ કરે છે. તેની કસ્ટડીનો અધિકાર રાજીવ મોદીને મળ્યો છે. તે માર્ચ ૨૦૧૯માં પુખ્ત થશે. ત્યાં સુધી મોનિકા મોદીને અઠવાડિયામાં એક વાર વિઝિટેશનનો અધિકાર મળ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter