ગાંધીનગર: ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના બે સિનિયર અને કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ-મકાન વિભાગનો હવાલો પાછો લઈ લેવામાં આવ્યો છે. આ બંને સભ્યોના રાજ્યકક્ષાના હવાલા બે મંત્રીઓને આપવામાં આવ્યા હતા. સરકારે કરેલા ફેરફાર પ્રમાણે મહેસૂલ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીનો હવાલો હર્ષ સંઘવીને તેમજ માર્ગ-મકાનનો હવાલો રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલને આપવામાં આવ્યો છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે કેબિનેટના સભ્યોને ફાળવેલા વિભાગોમાં નબળા પર્ફોમન્સને કારણે બે સિનિયર મંત્રીઓના વિભાગનોમાં ફેરફાર કરાયો છે. વિધાનસભાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બંને વિભાગનો કેબિનેટનો દરજ્જો ખુદ મુખ્યમંત્રીએ તેમની હસ્તક રાખ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને 341 દિવસ થયા છે ત્યારે કેબિનેટના વિભાગોમાં આ ફેરફાર થયાં છે. તેઓ 13મી સપ્ટેમ્બર 2021માં મુખ્યમંત્રી બન્યા હતા. મહેસૂલ વિભાગ છીનવાયો છે તેવા કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસે હાલ મહેસૂલ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કાયદો અને ન્યાય તેમજ પાર્લામેન્ટરી અફેર્સ વિભાગનો હવાલો છે.
એવી જ રીતે પૂર્ણેશ મોદી પાસે માર્ગ અને મકાન ઉપરાંત ટ્રાન્સપોર્ટ, સિવિલ એવિએશન, ટુરિઝમ અને યાત્રાધામ વિકાસનો હવાલો છે. જેમને વિભાગો ફાળવાયા છે તેવા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ-મકાનનો રાજ્યકક્ષાનો હવાલો અપાયો છે. ઉલ્લેખનીય છે કે 24 સભ્યોની કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે સૌથી વધુ વિભાગોની જવાબદારી છે. મુખ્યમંત્રી પાસે મહત્ત્વના કહી શકાય તેવા ઉદ્યોગ, જીએડી, ગૃહ, અર્બન ડેવલપમેન્ટ, નર્મદા, પોર્ટ્સ અને અન્ય જવાબદારીયુક્ત વિભાગો છે જેમાં મહેસૂલ અને માર્ગ-મકાનનો વધારો થયો છે.
બંને મંત્રીઓ ચર્ચામાં રહી ચૂક્યાં છે
રાજ્ય કેબિનેટની બેઠકના બે મંત્રીઓના વિભાગો છીનવી લેવાય છે ત્યારે આ બંને લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનેલા છે. મહેસૂલ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ જિલ્લા કલેક્ટર ઓફિસોમાં જઈને સરપ્રાઈઝ વિઝિટ લીધી છે અને કેટલાય ઓફિસરોની બદલી કરી તેમની સામે પગલાં લીધા છે, જ્યારે માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાતના માર્ગોમાં ખાડા પૂરવા તેમજ તૂટેલા માર્ગોના સમારકામ માટે પોતાની એપ બનાવીને લોકોને ફરિયાદ મોકલવા કહ્યું હતું.
ભ્રષ્ટાચાર ચલાવી લેવાશે નહીંઃ પીએમઓનો સ્પષ્ટ સંદેશ
અમદાવાદ: સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉપરાંત પૂર્ણેશ મોદીના ખાતા છીનવી લેવાયા છે. વડા પ્રધાન કાર્યાલયે (પીએમઓ)એ આ ઘટના બાદ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, કોઈપણ ભોગે ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય. ગમે તે સિનિયર મંત્રી કે નેતા હશે તેને સત્તાના સિંહાસનેથી ઉતારી દેવાશે. નોંધનીય છે કે 15મી ઓગષ્ટે જ વડા પ્રધાને ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરીને ભ્રષ્ટાચારીઓને ચેતવી દીધા હતા. અગાઉ હાઈકમાન્ડે પીએમઓના ઇશારે આખેઆખી રૂપાણી સરકાર બદલી નાંખી હતી. તે સમયે અનેક ધમપછાડા કર્યા બાદ પણ એક પણ સિનિય મંત્રીને પુનઃ મંત્રી બનાવાયા ન હતા. આ વખતે પણ સિનિયર મંત્રીઓના ખાતા છિનવીને પ્રધાનમંત્રીએ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે, પ્રજાલક્ષી કામોમાં જરાય ગેરરીતી કરી તો ચલાવી લેવાશે નહીં. વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારની પ્રતિષ્ઠા ખરડાય તે ભાજપને પોષાય તેમ નથી. આ જોતાં અત્યારથી જ લાલ આંખ કરાઈ છે. ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી કરતાં અન્ય મંત્રીઓને પણ આડકતરો ઈશારો કરી દેવાયો છે.


