ગાંધીનગરઃ રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સંગઠનમાં હોય તેમને ચૂંટણીની ટિકિટ મળશે નહીં તેવી જાહેરાત કરી હતી. જાહેરાતને ધ્યાનમાં રાખીને પ્રદેશ સંગઠનમાં કરાયેલી ૧૦૭ વ્યકિતઓની નિમણૂક પછી કોંગ્રેસમાં એવો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે કે સંગઠનમાં નીમી દીધા એટલે હવે લોકોને વિધાનસભાની ટિકિટ આપશે કે કેમ? જોકે બે ચાલુ ધારાસભ્યોને પણ સંગઠનમાં સમાવતા તેમની ટિકિટ તો નક્કી છે તેવી અગાઉ પણ કોંગ્રેસે ખાતરી આપી હતી.
સામાન્ય રીતે રાજકીય પક્ષ જેમને ટિકિટ આપવાની હોય તેમને સંગઠનમાં નિમણૂક આપીને સંતોષ આપતા હોય છે. સિદ્ધાર્થ પટેલની કોંગ્રેસના ચૂંટણી પ્રચાર કમિટીના વડા તરીકે નિમણૂક થયા પછી રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ, અરવલ્લીમાં કમલેન્દ્રસિંહ પુવાર, ડાંગમાં મોતીભાઇ ચૌધરી, જૂનાગઢમાં સતિષ વિરડા, મોરબીમાં લલિત કગથારા, રાજકોટ જિલ્લામાં હિતેશ વોરા, સાબરકાંઠામાં મણિભાઈ પટેલ, સુરતમાં જગદીશ પટેલ, વડોદરા શહેરમાં પ્રશાંત પટેલ, જામનગર જિલ્લામાં જે. ટી. પટેલ, નવસારીમાં ધર્મેશ પટેલ, મહીસાગરમાં હરજીવન નારણ, પંચમહાલમાં અજિતસિંહ ભાટીની જે તે સ્થાને પ્રમુખ તરીકે નિમણૂક કરાઇ હતી.

