ગાંધીનગરઃ રાજ્યમાં સતત બે વર્ષ સુધી અપૂરતો વરસાદ પડ્યા બાદ આ વર્ષે મેઘરાજાએ મહેર કરતાં રાજ્યમાં સિઝનનો સરેરાશ ૧૦૦ ટકા વરસાદ નોંધાયો છે. આ સાથે મોસમનો કુલ વરસાદ ૫૮૪ મિમી થયો છે. કચ્છ જિલ્લો જે સમગ્ર દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયો હતો ત્યાં ૧૧૯ ટકા વરસાદ પડ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૧૦૯ ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ભાદરવાના પ્રારંભે પણ સારો વરસાદ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૩૧મી ઓગસ્ટથી મેઘરાજાએ મહેર કરતાં ખેડૂતોમાં ખુશી છે જ્યારે ૩૧મી ઓગસ્ટે જ ગણવા નદીમાં નાહવા પડેલા એક યુવકનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું અને દધાલિયાની મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી.
બંગાળની ખાડીમાં લો પ્રેશર
બંગાળના અખાતમાં વધુ એક લો પ્રેશર સર્જાતાં ૬ઠ્ઠી સપ્ટેમ્બર સુધી ગુજરાત, પશ્ચિમ દરિયાઈ કાંઠા વિસ્તાર, મધ્ય પ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શકયતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવાઈ હતી.
સૌરાષ્ટ્રમાં ધોધમાર
મંગળવારે જાફરાબાદ પંથકમાં ૨ ઈંચ, ઉનાનાં દેલવાડામાં ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ થયો હતો. ઉમરેઠીમાં હિરણ-૨ ડેમ ભરાઈ જતાં ૧૪ ગામોને એલર્ટ કરાયા હતાં. રાજકોટમાં રવિવાર રાતથી સોમવાર સવાર સુધીમાં આઠ ઇંચ, જામનગરના મોટી બામુગારમાં ૯ ઇંચ વરસાદ થયો હતો. અમરેલી જિલ્લામાં ૩૧મી ઓગસ્ટે ઝાપટાં પડ્યા હતા. ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ ૩૧મીથી છુટોછવાયો અડધાથી ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના મોટી બાણુગારમાં ૩૧મીએ ૯ ઈંચ વરસાદ પડ્યો હતો.
ભાવનગરના પાલિતાણામાં ૩૧મી ઓગસ્ટે જ ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગર પંથકના જાંબાળા ગામે પણ બે કલાકમાં ચાર ઇંચ વરસાદથી નદીમાં પૂર આવ્યું હતું. પાલિતાણામાં બીજી સપ્ટેમ્બરે પણ ધોધમાર ૫ ઈંચ વરસાદ પડયો હતો. બોટાદમાં બીજીએ સાડા ચાર કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ થયો હતો. મધુ નદીમાં ઘોડાપૂર આવતાં ૩ કેબિન તણાઈ હતી.
દક્ષિણ ગુજરાતમાં દમદાર વર્ષા
દક્ષિણ ગુજરાતમાં આમ તો મેઘ મહેર મોસમની શરૂઆતથી જામી છે, પણ નાનકડા વિરામ પછી બીજીએ સુરત નવસારી જિલ્લામાં સારો વરસાદ નોંધાયો. જલાલપોરમાં ૧૩૬ મિમી નવસારીમાં ૧૨૨ મિમી, ગણદેવી ૯૩, ચીખલી ૧૨૪ અને ખેરગામમાં ૧૬ મિમી વરસાદ પડયો હતો. નવસારી-જલાલપોરમાં સોમવારે પણ ૨૪ કલાકમાં ૪થી સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ રહેતાં છુટો છવાયો વરસાદ રહે છે. ૨૬મી ઓગસ્ટથી વડોદરા જિલ્લામાં પણ છુટો છવાયો વરસાદ છે.
કચ્છમાં બારે મેઘ ખાંગા
વાગડ વિસ્તારમાં ૩૦મી ઓગસ્ટથી મેઘરાજા મન મૂકી વરસે છે. સોમવારે અહીં માત્ર અડધા કલાકમાં ૬૬ મિમી વરસાદ પડયો હતો. કચ્છના રાપરમાં રવિવારે પહેલી સપ્ટેમ્બરે પણ પોણા ત્રણ ઇંચ તો ખાવડામાં અઢી ઇંચ મેઘમહેર થઈ હતી.
ઉત્તર ગુજરાતમાં ગાજ્યા મેહ વરસ્યા
ઉત્તર ગુજરાતમાં રવિવારે રાતથી સોમવાર સુધી સામાન્ય ઝાપટાથી લઈ ૪ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ૪૭ પૈકી ૩૭ તાલુકામાં હળવાથી માંડી ૪ ઇંચ સુધીનો વરસાદ હતો. જેમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં ૪ ઇંચ, પોશીનામાં ૩ ઇંચ અને દાંતામાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો.


