ગાંધીનગર: રાજયમાં સ્થાનિક સ્વરાજય, વિધાનસભા કે લોકસભાની કોઇપણ ચૂંટણી હોય પણ ગુજરાતનું જાહેર દેવું હંમેશા ચૂંટણીનો મુદ્દો બને છે. ગુજરાત સરકારે વિધાનસભાના બજેટ સત્રમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતનું જાહેર દેવું રૂ. ૨.૧૭ લાખ કરોડ હોવાનું સ્વીકાર્યુ હતું. આ સાથે વર્ષ ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં રૂ.૨.૩૮ લાખ કરોડ દેવું થશે તેવું સરકારનું અનુમાન છે. આવી સ્થિતિમાં ૧૫મા નાણાપંચની ટીમના અધ્યક્ષ એન.કે.સિંઘે ગુજરાતનું દેવું કંટ્રોલમાં છે, ગુજરાતનું નાણાકીય વ્યવસ્થાપન સારું હોવાથી અન્ય રાજયોએ પણ તેમાંથી પ્રેરણા લેવી જોઇએ તેવું સ્પષ્ટ મંતવ્ય વ્યકત કર્યુ હતું.
આ બાબતે જણાવતા ૧૫મા નાણા પંચના અધ્યક્ષ એન.કે. સિંઘે ગુજરાતના નાણાકીય વ્યવસ્થાપનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મેક્રો ઇકોનોમિક પેરામીટર્સ મેનેજમેન્ટમાં ગુજરાતે દેશમાં લીડ લીધી છે. દેવું જીડીપીના ૨૦ ટકા સુધી ટકાવી રાખવામાં ગુજરાત સફળ બન્યું છે. અન્ય રાજ્યોમાં તો આ ટકાવારી ૨૮-૨૯ટકા છે. વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ફિસ્કલ ડેફિસીટ ઘટીને જીએસડીપીના ૧.૪૨ ટકા થઇ છે. અન્ય રાજ્યોએ ગુજરાતમાંથી પ્રેરણા લેવી જોઇએ.

