ટોક્યોઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેતૃત્વ હેઠળનું એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિમંડળ તાજેતરમાં જાપાનની નવ દિવસની મુલાકાતે રવાના થયું હતું. જાપાનના ૧૧૫ વર્ષ જૂના ‘જાપાન ઈન્ડિયા એસોસિએશન' (જેઆઈએ) અને એએમએ તેમજ આઈજેએફએ દ્વારા પ્રમોટેડ જાપાન ઈન્ફર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર વચ્ચે સહયોગ માટે ગુજરાત સરકારે ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાં હતા.
નીતિનભાઈ પટેલે જાપાનના પાટનગર ટોક્યોમાં જાપાનના રાજદૂત ચિનોયની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં હતાં. આ એમઓયુ દરમિયાન જેઆઈએના અધ્યક્ષ અને ભારત ખાતેના પૂર્વ રાજદૂત હિરોશી હિરાબાયાશી તેમજ એએમએ ખાતે જાપાન સેન્ટરના સ્થાપક અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનના ગુજરાતના પ્રેસિડેન્ટ, મુકેશ પટેલે પણ સમજૂતી પર હસ્તાક્ષર કરી પરસ્પર અદાનપ્રદાન કર્યું હતું. આ એમઓયુ ભવિષ્યમાં બન્ને દેશો વચ્ચે શૈક્ષણિક, વ્યવસાયિક અને સાંસ્કૃતિક સંબંધોને પરસ્પર સહયોગ દ્વારા વધુ મજબૂત બનાવવા માટે કરાયા છે. .
ભારતમાં ઉપસ્થિત જાપાનની તમામ અગ્રણી કંપનીઓ જેઆઈએની સભ્ય છે. આ એસોસિએશનના અધ્યક્ષપદે જાપાનના પૂર્વ વડા પ્રધાન યોશિનો મોરી છે. નીતિનભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળના પ્રતિનિધિમંડળે એમઈટીઆઈ (મેતી), જેઈટીઆરઓ (જેટરો) અને જેઆઈસીએ (જીકા)ને મળીને વ્યાવસાયિક સહયોગ વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી હતી.
મુકેશ પટેલને જાપાનના હ્યોગો પ્રાંતનું સન્માન
જાપાન રવાના થયેલા પ્રતિનિધિમંડળમાં સામેલ સુપ્રસિદ્ધ ટેક્સ કન્સલ્ટન્ટ અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનના પ્રેસિડેન્ટ મુકેશ પટેલને જાપાનના હ્યોગો પ્રાન્ત અને ગુજરાત વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવામાં ભજવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા બદલ નવાજવામાં આવ્યા હતા. તેમને ‘હ્યોગો પ્રીફેક્ચરલ એવોર્ડ ફોર ઈન્ટરનેશનલ કો-ઓપરેશન’ એનાયત થયો છે. આ પ્રતિનિધિમંડળની હ્યોગો પ્રાંતની મુલાકાત દરમિયાન એક ગરિમાપૂર્ણ સમારંભ યોજાયો હતો. જેમાં નીતિન પટેલની ખાસ ઉપસ્થિતિમાં હ્યોગોના ગવર્નર તોશિઝો ઈડોએ મુકેશ પટેલને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. હ્યોગો પ્રાંતની સ્થાપનાના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે કોબેમાં આ સમારંભ યોજાયો હતો ત્યારે તેમને એવોર્ડ એનાયત થયો.


