રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે

Wednesday 21st January 2026 04:26 EST
 
 

ગાંધીનગરઃ 26 જાન્યુઆરીએ દેશના 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9 વાગ્યે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવાશે. તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલશે.
રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરશે. આ રાષ્ટ્રીય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ જે ઉજવણી થશે, તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે.
ક્યા જિલ્લામાં કેબિનેટ મંત્રીઓ દ્વારા ધ્વજવંદન...
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયા મુજબ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ નવસારીના ચીખલીમાં, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટના જેતપુરમાં, ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગરના માણસામાં, શ્રમ-રોજગારમંત્રી કુંવરજી બાવળિયા પોરબંદર જિલ્લાના રાણાવાવમાં, આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલ વલસાડના ઉમરગામમાં, વન અને પર્યાવરણમંત્રી અર્જુન મોઢવાડિયા દાહોદના ગોવિંદગુરૂ-લીમડીમાં, શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમ્ન વાજા સાબરકાંઠાના હિંમતનગરમાં અને અન્ન-નાગરિક પુરવઠામંત્રી રમણભાઈ સોલંકી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ધ્વજવંદન કરાવશે.
ક્યા જિલ્લામાં રાજ્યમંત્રીઓના હસ્તે ધ્વજવંદન
રાજ્યકક્ષાના મંત્રીઓમાં જળ સંપત્તિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ નર્મદા જિલ્લાના એકતાનગર(કેવડિયા)માં, મહિલા અને બાળ કલ્યાણમંત્રી ડો. મનીષાબેન વકીલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં, મત્સ્યોદ્યોગમંત્રી પરષોત્તમ સોલંકી ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં, શ્રમ-રોજગારમંત્રી કાંતિભાઈ અમૃતિયા કચ્છના ભૂજમાં, કૃષિમંત્રી રમેશભાઈ કટારા પંચમહાલ જિલ્લાના હાલોલમાં, શહેરી વિકાસમંત્રી દર્શનાબેન વાઘેલા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં, કાયદામંત્રી કૌશિક વેકરિયા ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં, વાહનવ્યવહારમંત્રી પ્રવિણભાઈ માળી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં, રમતગમતમંત્રી ડો. જયરામભાઈ ગામિત ડાંગ જિલ્લાના આહવામાં, ઉચ્ચ શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા અમરેલી જિલ્લાના ખાંભામાં, નાણાંમંત્રી કમલેશભાઈ પટેલ વડોદરા જિલ્લાના વાઘોડિયામાં, મહેસૂલમંત્રી સંજયસિંહ મહિડા આણંદ જિલ્લાના ખંભાતમાં, આદિજાતિ વિકાસમંત્રી પી.સી. બરંડા મહિસાગર જિલ્લાના કડાણામાં, કુટીર ઉદ્યોગમંત્રી સ્વરૂપજી ઠાકોર પાટણ જિલ્લાના શંખેશ્વરમાં અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમંત્રી રિવાબા જાડેજા બોટાદ જિલ્લાના ગઢડાનો સમાવેશ થાય છે.
નવ જિલ્લાના તાલુકા મથકે કલેક્ટર કરાવશે ધ્વજવંદન
રાજ્યના 9 જિલ્લાનાં તાલુકા મથકોએ કલેક્ટર પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કરાવશે. અરવલ્લીના મેઘરજ, બનાસકાંઠાના ઓગડ, ભરૂચના આમોદ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ તેમજ જામનગરના કાલાવડ અને જુનાગઢના કેશોદ ઉપરાંત મોરબી જિલ્લાના ટંકારા તથા સુરત જિલ્લાના માંડવી અને તાપીના ઉચ્છલમાં સંબંધિત કલેક્ટરો ધ્વજવંદન કરાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter