પાલનપુર: ૭૦મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ વર્ષે પાલનપુરના આંગણે યોજાઇ હતી. રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પ પાંખડીઓની વર્ષા અને દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. આ સાથે રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ૨૮ પ્લાટુનમાં ૯૦૧ જેટલા જવાનોએ આઇ.પી.એસ અધિકારી અને પરેડ કમાન્ડન્ટ અમિત વસાવા અને સેકન્ડ પરેડ કમાન્ડન્ટ મિલાપ પટેલના નેતૃત્વમાં પરેડ યોજાઇ હતી. શ્વાન દળના કાફલા તેમજ પોલીસના મહિલા અને પુરુષ મોટર સાઇકલ સવારોના કાફલા દ્વારા આશ્ચર્યજનક કરતબો નિહાળી લોકો મંત્રમુગ્ધ બન્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિનની ઊજવણી થઈ રહી ત્યારે મહિલા પોલીસ દ્વારા બાઈક સ્ટંટ દરમિયાન અચાનક બાઈક સ્લિપ થઈ જતાં મહિલાઓ રીતસર પટકાઈ હતી. એટલું જ નહીં, બાઈક પ્રેક્ષક ગેલેરીમાં ઘૂસી ગયું હતું. આ દુર્ઘટનાને પગલે આઠ જણાને ઈજાઓ પહોંચી હતી. તમામને સિવિલમાં સારવાર અપાઈ હતી, ઘાયલોની ખબરઅંતર પૂછવા ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ ઉપરાંત ૮૪૨ વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન કરાયું હતું. પોલીસ વિભાગ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાઇફલ ડ્રીલ, મોટર બાઈક સ્ટંટ શો, જુડો, કરાટે જીમ્નાસ્ટીક પ્રદર્શન, ડોગ શો, અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય પ્રધાને ખુલ્લી જીપમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાનના ધર્મપત્ની અંજલિબહેન રૂપાણી, મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા, સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ સંગીતાસિંઘ, મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિનીકુમાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રજાજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી અને દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથને વેજિટેરિયન ઝોન – નો નોનવેજ વિસ્તાર જાહેર કરવામાં આવે છે. આ બંને યાત્રાધામના ૫૦૦ મીટરની ત્રિજ્યામાં નોનવેજ પ્રતિબંધ રહેશે.


