ગાંધીનગર: રાજ્યની હાઇ સિક્યોરિટી પ્લેસ પૈકીની એક ગાંધીનગરના વિધાનસભા સચિવાલય સંકુલમાં પાંચમીએ મધરાતે દીપડો ઘૂસી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાના પગલે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર કામનો દિવસ હોવા છતાં ૨ કલાક અને ૨૦ મિનિટ સુધી સચિવાલય બંધ રાખવું પડ્યું હતું અને તમામ કામકાજ અટકી પડ્યું હતું. મુખ્ય પ્રધાન અને પ્રધાનો પણ સચિવાલય આવી શક્યા ન હતા. સચિવાલયમાં જે રીતે ઘૂસ્યો એ જ ચૂપકીદીથી બહાર પણ નીકળી ગયો હતો દીપડો આખરે ૧૩ કલાક પછી સચિવાલયની પાછળ આવેલી મુખ્ય પ્રધાનના રૂટ વીઆઇપી રોડ-૨ પરથી ભારે જહેમતના અંતે પકડાયો હતો. દીપડાએ સરકારનું કામકાજ તો ઠપ્પ કરી દીધું હતું સાથે મુખ્ય પ્રધાનને પણ તેમનો રૂટ બદલવાની ફરજ પડી હતી.


