રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું બજેટઃ કોઇ નવા કરબોજ નહીં, કોઇ નવી રાહત નહીં

Wednesday 10th March 2021 04:12 EST
 
 

ગાંધીનગરઃ નાણા પ્રધાન નીતિન પટેલે રાજ્ય વિધાનસભામાં ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૧-૨૨નું કોઇ નવી આકર્ષક જાહેરાતો વિનાનું અને કોઇ નવા કરવેરા વગરનું ચીલાચાલુ બજેટ રજૂ કર્યું હતું. નવા વર્ષના બજેટનું કદ રૂ. ૨,૨૭,૦૨૯ કરોડ છે, જે ૨૦૨૦-૨૧ના વર્તમાન બજેટ કરતાં રૂ. ૯,૭૪૨ કરોડ વધુ છે. નવા બજેટમાં મહેસૂલી આવક તથા મૂડીની આવક કુલ રૂ. ૨,૧૮,૭૨૦.૪૦ કરોડ અને તેની સામે મહેસૂલી ખર્ચ તથા લોન પેશગીઓ સહિત મૂડી ખર્ચ કુલ રૂ. ૨,૨૩,૩૩૨.૫૨ કરોડ દર્શાવાયા છે. આમ છતાં વર્ષાન્તે રૂ. ૫૮૭.૮૮ કરોડની પુરાંત રહેશે તેવો સરકારનો અંદાજ છે. જોકે ૨૦૧૯-૨૦ના દર્શાવેલા ચોખ્ખા હિસાબમાં રૂ. ૫,૩૮૮.૫૨ કરોડની પુરાંત વર્ષના આરંભે હતી તે વર્ષ આખરે માત્ર રૂ. ૧૪૫.૧૮ કરોડની પુરાંત રહી ગઈ હતી તે નોંધનીય છે.
નાણા પ્રધાન નીતિન પટેલે ત્રીજી માર્ચે વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર રજૂ કરતા રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય પ્રત્યે કેટલી સજાગ છે તે દર્શાવવા ‘સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ’ શ્લોક ટાંક્યો હતો. જોકે રોજગારીના પરિપ્રેક્ષ્યમાં તેમણે વર્ષવારની રોજગારીના આંકડા આપવાને બદલે આવતા પાંચ વર્ષમાં સરકારી - અર્ધસરકારી તથા ગ્રાન્ટેડ સંસ્થાઓમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરવાની તથા એવી જ રીતે પાંચ વર્ષમાં ખાનગી ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જિનિયરિંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર, આઈટી, પ્રવાસન, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ તથા સર્વિસ જેવા સેક્ટરમાં ૨૦ લાખ રોજગારી ઊભી કરવાની જાહેરાતો કરી છે. જોકે અગાઉ કરવામાં આવેલી રોજગાર નિર્માણની જાહેરાતોનું શું થયું છે તેનો કોઈ હિસાબ આપ્યો નથી.
રાજ્ય સરકારે નવા બજેટમાં કોઇ નવા કરવેરા નાખ્યા નથી તો બીજી તરફ હયાત કરવેરાઓમાં કોઈ રાહત પણ આપી નથી. આ સંદર્ભમાં સરકારનું કહેવું છે કે, ૨૦૨૦-૨૧ દરમિયાન કોરોના મહામારીને કારણે અર્થતંત્ર ઉપર જે માઠી અસર થઈ છે એ વેળાએ મોટા પ્રમાણમાં વિવિધ વર્ગોને રાહતો અપાઈ છે. જેમાં સ્ટેમ્પ ડ્યૂટી, મોટરવાહન કર, વીજળી કર વગેરેમાં પણ રાહતોનો સમાવેશ થાય છે. આથી આત્મનિર્ભર સહાય યોજનાઓનો લાભ માતબર લોકોને મળ્યો છે અને નાના વ્યવસાયકારો પણ હવે પુનઃ સ્વનિર્ભર બની બેઠા થઈ રહ્યાં છે. આ કારણોસર બજેટમાં કઈ પણ પ્રકારની રાહત આપવામાં આવી નથી.
૧૩ વિભાગોનું બજેટ વધ્યું, ૧૨નું ઘટ્યું
રાજ્ય સરકારના ૨૫ વિભાગો પૈકી ૧૩ વિભાગોમાં બજેટ ૨૦૨૦-૨૧ની સરખામણીએ થોડું ઘણું વધ્યું છે. જેમાં મહત્તમ વધારો માર્ગ-મકાન વિભાગમાં રૂ. ૯૮૫ કરોડ, શિક્ષણ વિભાગમાં રૂ. ૭૬૪ કરોડ, ગૃહ વિભાગમાં રૂ. ૪૫૭ કરોડ અને મહિલા બાળ કલ્યાણ વિભાગમાં રૂ. ૩૬૧ કરોડનો વધારો કરાયો છે. આરોગ્ય વિભાગનું બજેટ માત્ર રૂ. ૮૦ કરોડ વધ્યું છે. જ્યારે ૧૨ વિભાગોમાં બજેટ ઘટ્યું છે. જેમાં સૌથઈ વધુ જળસંપત્તિ વિભાગનું બજેટ રૂ. ૧૭૨૬ કરોડ ઘટ્યું છે. જ્યારે ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગમાં રૂ. ૮૮૩ કરોડનો, ઉદ્યોગ ખાણમાં રૂ. ૪૧૮ કરોડનો અને પાણી પુરવઠા વિભાગમાં રૂ. ૩૪૩ કરોડનો ઘટાડો થયો છે.
ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ
• વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું ૨ લાખ ૨૭ હજાર ૨૯ કરોડ રૂપિયાનું બજેટ
• નિરાધાર વૃદ્ધ પેન્શન માટે રૂ. ૧,૦૩૨ કરોડની જોગવાઈ
• અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. ૧૫૦૦ કરોડનું બજેટ
• પોલીસ માટે નવા વાહન ખરીદવા રૂ. ૫૦ કરોડનું બજેટ
• સહકારી વિભાગમાં પાક ધિરાણ માટે રૂ. ૧૦૦ કરોડ
• રાજ્યના ૪ લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે ડ્રમ આપવા રૂ. ૮૭ કરોડની જોગવાઈ
• ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જોગવાઈ
• ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશન સ્થાપવા માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter