વડોદરાઃ સમગ્ર ભારતમાં ૪૦ ટકા રિફાઇન્ડ ઓઇલ પુરવઠો પૂરો પાડતાં ગુજરાતમાં ટાર્ગેટેડલી ઓઇલ એટેક કરીને ભારતના અર્થતંત્રને ડહોળવાના પ્લાનિંગ સાથે લશ્કર-એ-તૈયબા કચ્છના દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસણખોરીની પેરવીમાં હોવાના દેશની ટોચની સુરક્ષા એજન્સીઓને ઇનપુટ મળતાં તંત્ર સતર્ક બન્યું છે. આ ગંભીર મુદ્દે ૨૮મી ઓગસ્ટે અમદાવાદમાં પોલીસ મહાનિર્દેશકના વડપણ હેઠળ મળેલી કોસ્ટગાર્ડ તથા ગુજરાતના તમામ પોલીસ કમિશનરોની તાકીદની બેઠકમાં સમગ્ર રાજ્યની ઓઇલ સુરક્ષાની સમીક્ષા કરવાના આદેશ અપાયાં છે.
આ બેઠકમાં વડોદરાના પોલીસ કમિશનર મનોજ શશિધરે કહ્યું કે, વડોદરામાં પણ ઓઇલ નેટવર્ક પસાર થાય છે. નેટવર્કની સુરક્ષાના ઓડિટિંગની કામગીરી ચાલે છે. ગુજરાત દેશને ૪૦ ટકા રિફાઇન્ડેડ ઓઇલનો પુરવઠો પૂરો પાડે છે. કોયલીમાં રિફાઇનરીનું યુનિટ છે. ભારતીય ઓઈલ કોર્પોરેશન લિ. અને રિલાયન્સ કંપની દ્વારા પણ ઓઇલ રિફાઇન્ડ કરીને સપ્લાય કરાય છે. વડોદરાથી મધ્ય પ્રદેશ, પટિયાલા, મથુરા અને ભટિંડા સુધી હજારો કિમી સુધી ઓઇલનું પાઇપલાઇનનું નેટવર્ક વિસ્તરેલું છે તેની સુરક્ષા વધુ કડક કરાઈ છે.


