• કાળું નાણું ઝડપાય તો સંપત્તિ આપી દઈશઃ વિદેશની બેન્કોમાં રાજકોટના બુલિયનના વેપારી પંકજ લોઢિયાનું કરોડો રૂપિયાનું કાળું નાણું હોવા અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કર્યા અંગેના અહેવાલો સમાચાર ચેનલોમાં પ્રસારિત થતાંની સાથે જ રાજકોટમાં પંકજ લોઢિયાના નિવાસસ્થાન અને ધંધાના સ્થળે સ્થાનિક ચેનલો અને અખબારોના પ્રતિનિધિઓ ઇન્ટરવ્યૂ માટે ઊમટી પડ્યા હતા. સૌ પ્રથમ તો પંકજ લોઢિયાએ મૌન સેવી લીધું હતું ત્યાર બાદ, મોડી સાંજે પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને તેમાં એવી જાહેરાત કરી હતી કે, જો મારી પાસેથી કોઈ પણ પ્રકારનું કાળું નાણું ઝડપાય તો હું મારી તમામ સંપત્તિ સરકારમાં જમા કરાવીશ. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, અમારો પરિવાર વર્ષોથી બુલિયનના વેપાર સાથે સંકળાયેલો છે. ત્રણ વર્ષ પહેલાં જ મારે ત્યાં આવકવેરા ખાતાની રેડ પડી હતી અને તેમાં મે વિગતો જાહેર કરી હતી, પરંતુ સ્વિસ બેન્ક સાથે કોઈ કનેકશન નથી.
• ૧૦ નવેમ્બરે નવા સ્પીકર માટે વિધાનસભામાં ચૂંટણીઃ ગુજરાત વિધાનસભાનું અર્ધવાર્ષિક સત્ર દિવાળી પર્વ બાદ તા. ૧૦-૧૧ નવેમ્બર દરમિયાન બે દિવસ માટે મળશે. જેમાં પ્રથમ દિવસે સ્પીકર માટે ચૂંટણી યોજાશે. દેશમાં ન્યાયમૂર્તિઓની નિમણૂકને લગતો બંધારણનો ૧૨૧મો સુધારો સંસદના બંને ગૃહોએ તાજેતરમાં પસાર કર્યો છે. જેમાં નિમણૂકને લગતા ૧૨૪થી ૧૨૭ સુધીના આર્ટિકલ્સમાં, ૧૨૪ (અ) તરીકે નેશનલ જ્યુડિશ્યરી એપોઈન્ટમેન્ટ્સ કમિશનની રચના બાબતનો નવો સુધારો દાખલ કરાયો છે. આ કેન્દ્રીય સુધારાને બહાલી આપતો પ્રસ્તાવ પણ ગુજરાત વિધાનસભાના આ ટૂંકા સત્રમાં આવશે. બંને દિવસની કાર્યવાહી પ્રશ્નોત્તરી રહેશે, એમ જણાવાઈ રહ્યું છે.
• ધનતેરસે ૧૦૦ કરોડથી વધારે સોનું વેચાયુંઃ ધનતેરસના દિવસે અમદાવાદ શહેરમાં અંદાજે રૂ.૧૦૦ કરોડથી વધુ કિંમતનું સોનું વેચાયું હોવાનું બજારના સૂત્રો જણાવે છે. સવારથી મોડી રાત્રિ સુધી સોના-ચાંદીના બજારો ચાલુ રહ્યા હતા. ખાસ કરીને સોના-ચાંદીના સિક્કાનું વેચાણ વધારે થયું હતું. સોનાના ૨૪ કેરેટના ભાવમાં નજીવો વધારો નોંધાયો હોવા છતાં બજારમાં ખરીદી માટે ભીડ દેખાતી હતી.
• ખંભાતના અખાતમાંથી ક્રૂડનો જથ્થો મળ્યોઃ ખંભાતના અખાતમાંથી જય મધોક જૂથની જય પ્રકાશ (ઇ) લિમિટેડને ક્રૂડ ઓઇલનો જંગી જથ્થો મળ્યો છે. અહીં ૨૦૦૯-૦૮માં તેણે ડ્રીલ કરેલા પહેલા જ કૂવામાં તેને આ ક્રૂડ ઓઇલ મળ્યું હતું.
• ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ૫૪ ટકા ઘટશેઃ સખત મંદી, મોડો અને અપૂરતો વરસાદ તથા રોકડિયા પાકો તરફ ખેડૂતોના ઝુકાવથી મગફળીના પાકને ચાલુ વર્ષે ભારે ફટકો પડયો છે. ગુજરાતમાં મગફળીનો પાક એ કારણે ૫૪ ટકા જેટલો ઘટીને ૧૨ લાખ ટન થવાનો અંદાજ ગત સપ્તાહે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીએશન (સોમા)ની વાર્ષિક સભામાં મૂકાયો હતો. ઓછો પાક થવાના કારણે આવનારા દિવસોમાં સીંગતેલના ડબામાં લોકોને ફરીથી મોંઘવારી સહન કરવી પડશે. સૌરાષ્ટ્ર-ગુજરાત માટે મગફળીનો પાક અનેક રીતે લાભદાયી હોવાથી કલ્પવૃક્ષ સમાન છે પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારની તેલિબિયાં અને તેલ પ્રત્યેની નીતિ, સીંગતેલના ફાયદા સમજ્યા વિના આરોગ્યના મુદે કુપ્રચાર કરનારા લોકોએ મગફળીની ખેતીથી ખેડૂતોને દૂર કર્યા છે. આવા તત્વોની સામે સખત કાર્યવાહી કરવાની માગ સોમાના પ્રમુખ સમીરભાઇ શાહે કરી હતી.
• કચ્છી ઉદ્યોગપતિઓએ કેનેડામાં MOU કર્યાઃ કચ્છ જિલ્લાના વેપારી-ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં કેનેડા સરકારના નિમંત્રણથી મેનીટોબા રાજ્યની મુલાકાતે ગયું હતું. ૨૫ પ્રતિનિધિઓના આ ડેલિગેશને વિનીપેગ, મેનીટોબા, બ્રાન્ડન, સીટી ઓફ પોટ્રેજ, ટોરેન્ટો, નાયગ્રા ફોલ્સ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે વિચાર વિમર્શ કરી બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોના વિકસીત કરવા સમજૂતી કરાર કર્યા હતા. કચ્છના પ્રતિનિધિ મંડળની કેનેડા મુલાકાતની ખાસ વાત એ હતી કે, ભારતમાંથી કોઈ એક જિલ્લાની ચેમ્બર ઓફ કોમર્સના આટલા મોટા પ્રતિનિધિ મંડળે કોઈ વિદેશી સ્ટેટની મુલાકાત લીધી હોય તેવું પ્રથમ વખત બન્યું છે.
• ડીસા પાલિકાના ભાજપના સાત સભ્યો સસ્પેન્ડઃ ડીસા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ૨૧ ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સાત સભ્યોએ કોંગ્રેસ તરફી મતદાન કરતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીસા નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે બહુમતિ સાથે વિજય મેળવ્યો હતો. દરમિયાનમાં ગત સપ્તાહે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે તેમના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરવાનો વ્હીપ આપ્યો હતો. પરંતુ ભાજપના સાત સભ્યોએ પાર્ટીના વ્હીપને ફગાવીને કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં મતદાન કરતાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા હતા.
• ધોળાવીરામાં હડપ્પન યુગના વિશાળ કૂવા અને પગથિયાં મળ્યાઃ કચ્છના ધોળાવીરામાંથી ૫૦૦૦ વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિ-શહેરના કૂવા અને પગથિયાં મળી આવ્યાં છે. મોહેં-જો-દરોના ગ્રેટ બાથ કરતાં ત્રણ ગણા મોટા આ પગથિયા હોવાનું બહાર આવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-ગાંધીનગરના સહયોગથી પુરાતત્વ વિભાગે આ પગથિયાંની શોધ કરી છે. દેશમાં અત્યાર સુધીમાં મળેલી આ સૌથી પ્રાચીન જગ્યા હોવાનો દાવો કરાયો છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં સૌથી મોટી અને સચવાયેલી આ જગ્યા છે. ૭૩.૪ મીટર લાંબી ૨૯.૩ મીટર પહોળી અને ૧૦ મીટર ઊંડી આ જગ્યા ધોળાવીરના પૂર્વીય ભાગમાં મળી છે.

