અમદાવાદઃ કર્ણાવતી કલબમાં ‘મંતવ્ય ફાઉન્ડેશન’ દ્વારા ‘ગુજરાતના ગૌરવ’ કાર્યક્રમનું ૩૦મી એપ્રિલે આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે જુદા જુદા ક્ષેત્રમાં નામના મેળવીને દેશ અને દુનિયામાં ગુજરાતને ગૌરવ અપાવનારા ૧૭ મહાનુભાવોનું સન્માન કરાયું હતું.
વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે ૧૯૬૦માં જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યારે લોકો ચિંતા કરતા હતા કે ગુજરાત કેવી રીતે પ્રગતિ કરશે, પરંતુ ગુજરાતના લોકોના પુરુષાર્થ અને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને દુનિયાના નકશામાં માનભેર સ્થાન પામ્યું છે. ૫૮ વર્ષની આ યાત્રામાં ગુજરાતે નેતૃત્વ અને ગુડ ગવર્નન્સ પૂરું પાડ્યું છે. મુખ્ય પ્રધાને વધુમાં ઉમેર્યું કે ગુજરાતે ઉદ્યોગપતિઓને બુસ્ટીંગ આપ્યું છે. ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, કરશનભાઈ પટેલ જેવા કર્મશીલ ઉદ્યોગપતિઓ ગુજરાતને સાંપડ્યા છે.
છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક ક્ષેત્ર, રોજગારી જીડીપી, ઇન્વેસ્ટમેન્ટ, ટુરિઝમ અને સહકારી ક્ષેત્રે ગુજરાત નંબર વન છે. આજે સમગ્ર ભારતમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટેટ તરીકે ગુજરાતની ગણના કરવામાં આવે છે. મુખ્ય પ્રધાને મહાગુજરાત આંદોલનનો ઉલ્લેખ કરી ઇન્દુચાચા, રવિશંકર મહારાજ જેવા મહાનુભાવોને આ પ્રસંગે યાદ કર્યા હતા. ગુજરાતની વિકાસ યાત્રામાં અત્યાર સુધીની બધી જ સરકારનો સહયોગ રહેલો છે. ગુજરાત મારો આત્મા અને ભારત મારો પરમાત્માના મંત્રને આત્મસાત કરી નાત, જાત, ધર્મ, પ્રાંતથી ઉઠી નવ ભારતના નિર્માણમાં ગુજરાતના નેતૃત્વ પૂરું પાડે તેવી નેમ મુખ્ય પ્રધાને વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, એડીસી બેન્કના અજયભાઈ પટેલ, સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપભાઈ સંઘાણી હાજર રહ્યા હતા.
<strong>ગુજરાત ગૌરવ પુરસ્કાર-૨૦૧૮ મેળવનાર મહાનુભાવોની યાદી</strong> ૧. ડો. એચ. એલ. ત્રિવેદી - આરોગ્ય, ૨. જય વસાવડા - સાહિત્ય, ૩. કાનુબહેન પટેલ – સ્ત્રી સશક્તિકરણ, ૪. હંસાબહેન પટેલ – કોટેજ ઇન્ડસ્ટ્રી, ૫. કનુભાઈ ટેલર – સમાજ સેવા, ૬. અનિલ બકેરી - રિયલ એસ્ટેટ, ૭. આર. એસ. સોઢી - સહકારી ક્ષેત્ર, ૮. પરિમલ નથવાણી - બિઝનેસ આઇકોન, ૯. ડો. કે. એલ. મહેતા - ફાર્માસ્યુટિકલ, ૧૦. કૌતિક શાહ – ઇકો ફ્રેન્ડલી હાઉસિંગ, ૧૧. રાકેશભાઈ પટેલ – શિક્ષણ ક્ષેત્ર, ૧૨. અભિષેક દેસાઈ – સ્ટાર્ટ અપ (ક્રિકહિરોઝ), ૧૩. પંકજ દાણીધરીયા - મોબાઈલ નેટવર્ક, ૧૪. જયપ્રકાશ પટેલ – રમત ગમત, ૧૫. રૂજુલ વોરા - પર્ફોમિંગ આર્ટસ, ૧૬. દિવ્યાંગ ગાંધી - દિવ્ય ઇમિગ્રેશન, ૧૭. વિરલ જયસ્વાલ – ડિસ્ટન્સ લર્નિંગ સર્વિસ.


