અમદાવાદઃ રાજ્યભરમાં ચોમાસાની જમાવટ થતાં ૧૩૭ તાલુકામાં મેઘ મહેરબાન થયો છે. જોકે ૧૧૩ તાલુકામાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ૨૨મી મેથી ઠેર ઠેર વરસાદી મહેર વરસી રહી છે. ૨૦મી જૂનથી દક્ષિણ ગુજરાતમાં રોજ આશરે ૧થી ૪ ઇંચ વરસાદ વરસી રહ્યો છે. ૨૫મી જૂને દક્ષિણ ગુજરાતના ગણદેવી પંથકમાં અંબિકા નદીમાં ડૂબી જવાથી બે યુવાનોનાં મોત થયાં હતાં.
વલસાડ જિલ્લામાં ૨૨મીથી સારો વરસાદ રહે છે. ઉમરપાડામાં ૨૫મીએ આભ ફાટતાં ૧૨ ઇંચ વરસાદ થયો હતો જ્યારે વાપીમાં ૯.૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધરમપુરમાં રોજ આશરે ૩ ઇંચ, નવસારી જિલ્લામાં ૨ ઇંચ, તાપી જિલ્લામાં ૧ ઇંચ વરસાદ રહે છે. ભરૂચ જિલ્લામાં ૨૦મીથી રોજિંદો એકથી ૩ ઇંચ વરસાદ વરસે છે. અંકલેશ્વરમાં ૨૩મી અને ૨૪મીએ ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો.
મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લામાં ૨૩મીથી રોજિંદો એકાદ ઇંચ જેટલો હળવો વરસાદ નોંધાય છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ૨૩મીએ અને ૨૪મીએ રોજનો એકથી બે ઇંચ વરસાદ રહ્યો હતો. ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં ૨૧મીથી રોજ એકાદ ઇંચ વરસાદ સરેરાશ રહે છે. ૨૫મીએ પાટણ શહેરમાં અડધી કલાકમાં ૨ ઇંચ જેટલો વરસાદ સાંજે વરસ્યો હતો. મહેસાણા પંથકમાં ૨૬મીએ ભારે પવન સાથે વરસાદના અહેવાલો હતાં.
ગુજરાત પર મેઘરાજા મહેરબાન થઈ ગયા છે અને સૌરાષ્ટ્રમાં ૨૪મીથી સતત ત્રણ દિવસ સારો એવો વરસાદ રહ્યો હતો. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગરમાં ૨૪મીથી રોજનો એકથી ત્રણ ઈંચ સુધી વરસાદ રહે છે. ગોંડલમાં ૨૬મીએ સતત બીજા દિવસે ભારે ચાર ઇંચ વરસાદ થયો હતો.


