અમદાવાદઃ ગુજરાત સરકારે જળસંચય ઝુંબેશ શરૂ કરી છે તો બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે જળસંકટ વધુ ઘેરું બની રહ્યું છે. નર્મદા ડેમને બાદ કરતાં બાકી ૨૦૩ ડેમોમાં છઠ્ઠી મે સુધીના છેલ્લાં ૧૫ દિવસમાં ૨.૬૦ ટકા જેટલો પાણીનો જથ્થો વપરાઈ ચૂક્યો છે. અત્યારે ૨૦૩ ડેમોમાં ૨૯.૭૨ ટકા પાણીનો જથ્થો બચ્યો છે. તે ૨૦મી એપ્રિલ સુધી ૩૨.૩૨ ટકા હતો. નર્મદા ડેમમાં ૩૧.૯૬ ટકાથી ઘટીને ૩૧.૬૬ ટકા પાણી બચ્યું છે. સૌથી ખરાબ સ્થિતિ કચ્છ અને સૌરાષ્ટ્રના ડેમોની છે. ત્યાં ડેમો સુકાભઠ્ઠ થવા આવ્યા છે. નર્મદા અને જળસંપત્તિ વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોના તળિયા દેખાયા છે. કચ્છના ૨૦ ડેમોમાં અત્યારે ૧૬.૧૭ ટકા પાણી બચ્યું છે તો સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમોમાં ૧૮.૧૫ ટકા જ પાણીનો જથ્થો છે. ત્યાં ૨૦મી એપ્રિલ ૨૦.૪૨ ટકા પાણીનો જથ્થો નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં અત્યારે ૨૮.૪૪ ટકા પાણી બચ્યું છે. અહીં ૨૦મી એપ્રિલ પહેલાં ૩૧.૫૩ ટકા પાણીનો જથ્થો હતો. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં અત્યારે ૪૯.૩૦ ટકા પાણીનો જથ્થો છે, ૧૫ દિવસ પહેલાં ૫૧.૭૦ ટકા જથ્થો હતો. ઉત્તર ગુજરાતના ડેમોમાં ૨૯.૧૨ ટકા પાણી બચ્યું છે, જ્યાં ૧૫ દિવસ પહેલાં ૩૦.૮૨ ટકા જથ્થો હતો.


