ગાંધીનગરઃ ગુજરાતમાં જળ સંકટ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સૌથી ખરાબ સ્થિતિ કચ્છ-સૌરાષ્ટ્રની છે. અહીંના ડેમમાં ૮૫થી ૯૦ ટકા સુધી પાણી ખલાસ થઈ ગયું છે. સૌથી મોટા નર્મદા ડેમમાં પણ અત્યારે માંડ ૩૧ ટકા પાણી બચ્યું છે.
કચ્છ – સૌરાષ્ટ્રમાં મુશ્કેલી
સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૪ જળાશયો ૪૦થી લઈને ૮૭ ટકા સુધી ખાલી થઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં ૧૫ જળાશયોમાં ૨૬ ટકા જ પાણી છે. દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૪ ટકા પાણી જ બચ્યું છે. સુરતનો ઉકાઈ ડેમ ૭૮ ટકા સુધી ખાલી થઈ ચૂક્યો છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. અહીંના ડેમ ૮૫થી ૯૦ ટકા સુધી ખાલી થઈ ગયા છે. મચ્છુ ડેમ ૮૭ ટકા સુધી ખાલી છે. અનેક જળાશયો તો એવા છે જે સંપૂર્ણપણે સુકાઈ ગયા છે. માત્ર મધ્ય ગુજરાતની સ્થિતિ જ કંઈક સારી છે.
અહીંના ૧૭ જળાશયોમાં હજી ૪૭ ટકા સુધી પાણી છે. તેમાં પણ ૩ જળાશય એવા છે જ્યાં ૭૦ ટકા પાણી છે. બીજીબાજુ જીવનધારા નર્મદા પર બનેલા સરદાર સરોવરમાં અત્યારે ૩૧.૧૦ ટકા પાણી છે. તેમાં પણ ઉપયોગ કરવા લાયક પાણી માત્ર ૩૦ ટકા છે.


