રાજ્યના ૨૩૧ તાલુકાઓમાં અતિ વરસાદ

Wednesday 05th July 2017 09:16 EDT
 
 

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં ૨૭મી જૂનથી ભારે વરસાદના કારણે કેટલાક શહેર અને ગામમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ૩૦મી જૂને અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં ૧૨ કલાકમાં આશરે ૧૨ ઇંચ વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. અમદાવાદમાં ૩૦મી જૂનથી ત્રીજી જુલાઈ સુધી સતત વરસાદના કારણે સાત અન્ડર બ્રિજ પાણી ભરાવવાથી બંધ કરી દેવાયા હતા. ચોથીએ અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ભારે વરસાદના પગલે ગાંધીનગરમાં કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. રાજ્યના ૨૩૧ તાલુકાઓમાં અતિવરસાદી મહેર છે. વરસાદને કારણે રાજ્યભરમાં ૩૧ વ્યક્તિનાં મોત થયા છે. જ્યારે ૩૦૦થી વધુ પશુના મૃત્યુ નિપજ્યા છે. મોરબી, પાટણ જિલ્લામાં ૪૦૬ પરિવારનાં ૩૯૦૦ પરિવારોને ભારે વરસાદથી સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું, પરંતુ હવે તેઓ પોતાના મૂળ સ્થાને પરત ફરી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં મૂશળધાર
૩૦મીએ પાલનપુરમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લોકોનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં હતાં. મૂશળધાર વરસાદથી પાલનપુર હાઇવે પર બે ફૂટ સુધી પાણી ભરાતાં આશરે ચારેક કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. પહેલીથી ચોથી સુધી મહેસાણાના કડીમાં ૧૩ ઇંચ વરસાદ ખાબકયો હતો. કલોલમાં ૩૦મીએ ૯ ઇંચ વરસાદ નોંધાયો હતો. વર્ષ ૨૦૧૫ બાદ થરાદ, લાખાણી, ધાનેરા અને રાધનપુરના વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે.
સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું
કોડીનારમાં પહેલીથી ૨૪ કલાકમાં ૧૯ ઈંચ, ટંકારામાં ૧૨ ઈંચ, ઝાલાવાડમાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે ૩૦ જેટલી બચાવ ટીમો પણ એલર્ટ રખાઈ છે. ટંકારા તાલુકામાં આઠ સ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયા છે. ટંકારામાં વરસાદના પાણીનાં પ્રચંડ પ્રવાહથી બચવા લોકો ઝાડ પર કે વીજળીના થાંભલે ચડી ગયેલા દેખાયા હતા. જોકે બચાવ ટુકડીએ આ વિસ્તારમાં ૩૦ લોકોને બચાવી લીધાં હતાં.
દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી
પહેલી જુલાઈએ ચીખલીમાં ચાર ઈંચ, સુરતમાં એક ઈંચ, ઉંમરપાડા તાલુકામાં બે ઇંચ જ્યારે વલસાડ સિટીમાં બે ઈંચ વરસાદ નોધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં વાપરીમાં બીજી જુલાઈથી ચોવીસ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ રહ્યો છે.
મધ્ય ગુજરાતમાં નદીઓ છલકાઈ
મેશ્વો, વિશ્વામિત્રી અને મહીસાગર નદીમાં પાણીનું પ્રમાણ અચાનક ૩૦મીએ વધી જવા પામ્યું હતું. હાઇવે પર પાણી ભરાવવાના કારણે નેશનલ હાઇવે નંબર ૮ પરનો ટ્રાફિક પ્રભાવિત થયો છે.
મુખ્ય પ્રધાનની બેઠક
રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ વરસાદનો સરેરાશ ૨૪ ટકા વરસાદ વરસી ગયો છે. મહેસૂલપ્રધાન અને વરિષ્ઠ સચિવોની હાજરીમાં ગાંધીનગરમાં મળેલી બેઠકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ત્રીજીએ જણાવ્યું હતું કે, વરસાદને પગલે મચ્છરજન્ય તાવ-મેલેરિયા જેવો રોગચાળો ન ફેલાય તે માટે રોગ નિવારક દવાઓનું વિતરણ થશે. રૂપાણીએ પાંજરાપોળ-ગૌશાળાને રાહતદરે ઘાસ વિતરણની કામગીરી યથાવત રાખવાની સૂચનાઓ આપી છે. આવો ૪ કરોડ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ હોવાનું રાહત નિયામકે બેઠકમાં કહ્યું હતું.

રાજ્યના ૪ ડેમ હાઇએલર્ટ પર 

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા કુલ ૨૦૩ જળાશયો પૈકી ચાર ડેમમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતા તેને હાઇએલર્ટ અને ચાર ડેમને એલર્ટ જાહેર કર્યો છે. નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ ૧૧૫.૦૨ મીટરની સપાટીએ પહોંચતા ૮૦.૩૭ ટકા ડેમ ભરાઈ ગયો છે. નર્મદા ડેમમાં પાણીની આવક વધતાં વીજ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના કારણે ડેમમાં પાણીની જાવકના કારણે હાલમાં ઓવરફલો થવાની શકયતા ઓછી છે. રાજ્યના તમામ જળાશયોમાં પાણી સંગ્રહની ક્ષમતા કુલ ૧૫૭૭૦.૩૯ મિલિયન ક્યુબિક મીટર પૈકી હાલમાં ૪૯૮૬.૩૭ મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોના ડેમની સ્થિતિ જોઈએ તો ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશય સરેરાશ ૧૮.૫૮ ટકા ભરાયા છે, મધ્ય ગુજરાતના ૧૭ જળાશય ૫૦.૪૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશય ૩૪.૨૬ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશય ૧૭.૭૮ ટકા, કચ્છના ૨૦ જળાશયમાં ૧૧.૧૯ ટકા ભરાયા છે. વરસાદના કારણે ૨૦૩ જળાશયોમાં ૩૧.૬૨ ટકા પાણી ઉપલબ્ધ છે. ઉપરાંત ૧૩ જળાશયોમાં ૩૦૦ ક્યુસેકથી વધુનો પાણીનો આવરો થયો છે. રાજ્યનાં ૫૬ જેટલા જળાશયોમાં પાણીનો સંગ્રહ થાય છે તેમાંથી વધુમાં ૧૦ ટકાથી વધુ નવું પાણી આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીના વધારાને પરિણામે પીવાના પાણીની સમસ્યા મોટાભાગે હળવી થવાની વિગતો રાજ્ય સરકારે આપી છે.
૨૫.૭૨ લાખ હેક્ટરમાં વાવેતર
રાજ્યમાં સારા વરસાદથી ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨૫.૭૨ લાખ હેક્ટરમાં વાવણી થઈ છે, જે ગયા વર્ષે આ સમય સુધીમાં કરાયેલી ૧૫.૧૬ લાખ હેક્ટરની સરખામણીએ ૧૦,૫૫ લાખ હેક્ટર વધુ છે. સૌથી વધારે વાવેતર મગફળીનું ૭.૪૪ લાખ હેક્ટર અને કપાસનું ૧૨.૬૪ લાખ હેક્ટર થયું છે. એકંદરે રાજ્યમાં કુલ વાવેતર લાયક જમીન પૈકી ૨૯.૯૯ ટકા જમીનમાં વાવેતર થઈ ગયું છે.
રૂ. ૨૯ કરોડનો રન-વે ધોવાઈ ગયો!
૨૦૧૬માં આશરે રૂ. ૨૯ કરોડના ખર્ચે અમદાવાદ એરપોર્ટના રન-વેનું રિનોવેશન કરાયું હતું. ઓક્ટોબર ૨૦૧૬માં રન-વે ખુલ્લો મુકાયો હતો. લગભગ ૮ મહિના પહેલા તૈયાર થયેલો રન-વે પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો હતો. જેના પગલે ત્રીજીએ સવારે ૧૦ વાગ્યા બાદ અમદાવાદ આવતી જતી ફ્લાઇટો મોડી પડી હતી. જોકે થોડા સમય બાદ ફ્લાઇટનું રનિંગ ટુંકાવી લેન્ડિંગ અને ટેક ઓફ શરૂ કરાયું હતું. રન-વેના રિપેરિંગની કામગીરી લગભગ ૨ વાગે પૂર્ણ થયા બાદ એરપોર્ટ પર ફ્લાઇટ મૂવમેન્ટ શરૂ કરાઈ હતી. રન-વે ધોવાઈ ગયાની ઘટનાની તપાસ કરવા એરપોર્ટ ઓથોરિટીએ આદેશ આપ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter