ગાંધીનગરઃ રાજ્ય સરકારે ૩૧ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ તાજેતરમાં કર્યા છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરપદેથી ડી. થારાના સ્થાને મુકેશ કુમારને મુકાયા છે. શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ રાજીવ કુમાર ગુપ્તાને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગમાં ખસેડાયા છે. વડોદરામાં મોટાપાયે દબાણ ખસેડવાના આદેશ આપનારા મ્યુનિસિપલ કમિશનર એચ. એસ. પટેલની પણ બદલી થઈ છે. તાજેતરમાં શિક્ષણ વિભાગના કથિત ધાંધિયા અને કૌભાંડોના આક્ષેપ જેવી સ્થિતિને લઈ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી સુજીત ગુલાટીની પણ બદલી થઈ છે. આર્થિક રીતે પછાત વર્ગોને ૧૦ ટકા અનામત અપાયા બાદ તેના પ્રમાણપત્રો સહિતની સૂચનાઓને લઈ ઊભી થયેલી સ્થિતિને પગલે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. એસ. ડાગુરને પણ વન વિભાગમાં ખસેડાયા છે. ૧૯૯૧ બેચના ગુજરાત કેડરના અધિકારી વી. થિરુપુગાસને નેપાળની નેશનલ રિકન્સ્ટ્રક્શન ઓથોરિટીના વરિષ્ઠ સલાહકાર તરીકે મૂકવામાં આવ્યા છે.

