ગાંધીનગરઃ મેઘરાજા આ વર્ષે મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યના ૩૩માંથી ૨૪ જિલ્લામાં સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે વરસાદ વિશે તારણ છે કે છેલ્લા પાંચ વર્ષથી વરસાદની પેટર્ન બદલાઇ છે. જૂન મહિનામાં વરસવાના બદલે એક મહિનો વરસાદ ખેંચાય છે અને જૂનમાં સામાન્ય વરસાદ પછી જુલાઇથી ધમાકેદાર વરસે છે. અગાઉના વર્ષોમાં પહેલી જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદની એન્ટ્રી થતાં જ ખેડૂતો પણ ખેતીપાકની વહેલી તૈયારીઓ કરી દેતા, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી વરસાદની આખી પેર્ટન જ બદલાઇ ગઇ છે. છેલ્લા પાંચ વર્ષમાં જૂનના વરસાદના આંકડા જોઇએ તો ૨૦૧૪માં સૌથી ઓછો ૧.૬૮ ઇંચ વરસ્યો હતો. જયારે ૨૦૧૫માં સૌથી વધુ ૧૨.૪૫ ઇંચ જૂન મહિનામાં પડયો હતો. જૂનમાં સામાન્ય વરસાદ બાદ જુલાઇ - ઓગસ્ટમાં મેઘરાજા મન મૂકીને વરસતા હોવાથી જૂન મહિનાની કસર પૂરી થઇ જાય છે.
હાલમાં પણ રાજ્યમાં ઓગસ્ટના છેલ્લા સપ્તાહથી સારો વરસાદ છે. ૯મી સપ્ટેમ્બરથી ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૨૧૬ તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં છઠ્ઠીથી રોજ મધ્યમથી ભારે વરસાદ વરસતાં ૨૭ ઈંચ જેટલો ૮૦ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ ૩૭ ઈંચ વરસાદ સાથે સિઝનનો ૧૧૪ ટકા વરસાદ થઈ ગયો છે. આ સાથે જ ૨૦૧૭નો રેકોર્ડ તૂટી ગયો છે. વર્ષ ૨૦૧૭માં સિઝનનો કુલ ૧૧૨ ટકા વરસાદ પડ્યો હતો. આ વર્ષે હજુ વરસાદી માહોલ છે. ૨૦૧૩માં રાજ્યમાં મોસમનો કુલ વરસાદ ૧૨૮ ટકા થયો હતો. આ વર્ષે રાજ્યના ૨૪ જિલ્લામાં ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ છે. આ વર્ષે રાજ્યનો સૌથી વધુ સરેરાશ વરસાદ વલસાડ જિલ્લામાં ૧૦૮ ઈંચ નોંધાયો છે અને સૌથી ઓછો વરસાદ બનાસકાંઠા જિલ્લામાં ૨૧ ઈંચ પડ્યો છે. આઠમી સપ્ટેમ્બરથી રાજ્યમાં ઠેર ઠેર સતત વરસાદ વરસી રહ્યો છે.
ટકાવારીની દૃષ્ટીએ વરસાદ
ટકાવારીની દૃષ્ટીએ સૌથી વધુ સરેરાશ વરસાદ ભરૂચ જિલ્લામાં ૧૫૦ ટકા પડ્યો છે. ભરૂચ જિલ્લામાં સિઝનનો ૪૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે જ્યારે મહિસાગર જિલ્લામાં સૌથી ઓછો ૨૨ ઈંચ વરસાદ સાથે સિઝનનો ૭૪.૭૬ ટકા વરસાદ પડ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૩૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ૨૫૧ તાલુકાઓમાંથી ૬૫ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ, ૧૫૧ તાલુકાઓમાં ૨૦થી ૪૦ ઈંચ અને ૩૫ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ ૭૦ ઈંચ વરસાદ સાથે કુલ ૧૨૩ ટકા વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છમાં સતત બે વર્ષ નબળા રહ્યા બાદ ૨૩ ઈંચ વરસાદ સાથે સિઝનનો કુલ ૧૪૬ ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૨૫ ઈંચ સાથે મૌસમનો સૌથી ઓછો ૯૦ ટકા અને મધ્ય ગુજરાતમાં કુલ ૩૪ ઈંચ સાથે ૧૦૪ ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ૩૦ ઈંચ વરસાદ સાથે સિઝનનો ૧૧૨ ટકા વરસાદ પડ્યો છે.
દરિયો ન ખેડવાની સૂચના
વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે હાલ રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવાથી લઇને ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં દરિયામાં ભારે તોફાનની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
- દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે છઠ્ઠીએ સવારે ૭થી ૧૦માં ત્રણ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ થતાં તંત્ર દોડતું થયું હતું. પાણીમાં ૫૦થી વધુ પશુ લાપતા થયાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. પૂર જેવી સ્થિતિ હોય ૨૦૦થી વધુ લોકો માટે ફૂડપેકેટની વ્યવસ્થા કરાઈ હતી.
- સૌરાષ્ટ્રમાં વેરાવળ, સૂત્રાપાડાા, તલાળા માણાવદર સહિતના તાલુકાઓના ગ્રામ્યપંથકમાં સાતમીએ માત્ર બે કલાકમાં ૧૦ ઇંચ વરસાદથી ગામડા બેટમાં ફેરવાયા હતા
- વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં રવિવારે વરસાદને પગલે ડેમમાં ૨૯,૮૭૭ ક્યુસેક પાણીની આવક પછી ડેમના ૧૦ પૈકી ૬ દરવાજા ખોલીને પાણી દમણગંગા નદીમાં છોડાયું
- કચ્છના બીટ્ટામાં રવિવારે એક જ કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડતા નદી-નાળા બે કાંઠે વહેતા થયા હતા. નખત્રાણા પંથકમાં પણ ચાર કલાકમાં ત્રણ ઈંચ પાણી વરસ્યું હતું.


