ગાંધીનગરઃ ભારત સરકારે ૨૭મી જાન્યુઆરીએ કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા હાલની ગાઈડલાઈન ૨૮મી ફેબ્રુઆરી સુધી લંબાવી હતી. જેના આધારે શનિવારે રાજ્યના ગૃહ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરતાં લગ્ન પ્રસંગે ૧લી ફેબ્રુઆરીથી ૧૦૦ને બદલે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિઓની હાજરીને છૂટ અપાઈ છે. રાત્રી કરફ્યૂ સંપૂર્ણ દૂર કરવાની વિવિધ એકમોએ માગ કરી હતી. જોકે સરકારે ૧૫ ફેબ્રુઆરી સુધીના રાત્રે કરફ્યૂના સમયને જાહેર કર્યો હતો. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચારેય મહાનગરોમાં ૧લી ફેબ્રુઆરીથી ૧૫ દિવસ માટે રાત્રે ૧૧થી સવારે ૬ કલાક સુધી કરફ્યૂ અમલમાં રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓનો માહોલ જામ્યા બાદ સરકાર ૧૬ ફેબ્રુઆરીથી કરફ્યૂમાં વધુ એક - બે કલાકની છૂટછાટ અથવા સંપૂર્ણ મુક્તિ આપશે તેમ મનાય છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS પંકજ કુમારે કહ્યું કે, હજી પણ સામાજિક, શૈક્ષણિક, રમત - ગમત, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય સમારોહ સહિતના અન્ય મેળાવડાઓ સંદર્ભે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ ગન, સ્કેનિંગ- સેનિટાઈઝેશન સહિતના જાહેર કરાયેલા નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમણે સમારંભોમાં ૬૫ વર્ષથી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભા બહેનો તેમજ અન્ય ગંભીર ધાતક બીમારીઓથી પીડિતોને ભાગ ન લેવાની સલાહ આપી હતી.
ધોરણ ૯ અને ૧૧નું શિક્ષણ કાર્યને મંજૂરી
૨૭મી જાન્યુઆરીએ રાજ્ય સરકારે જાહેર કરાયું હતું કે, પહેલી ફેબ્રુઆરીથી ધો. ૯ અને ધો. ૧૧ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય ચાલુ કરી શકાશે. આ જ રીતે ધો. ૯થી ધો. ૧૨ સુધીના વર્ગોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ટયુશન ક્લાસિસ પણ પહેલીથી શરૂ કરી શકાશે એવો નિર્ણય ૨૭મીએ ગુજરાત સરકારના પ્રધાન મંડળની બેઠકમાં લેવાયો હતો. જોકે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રેક્ટિસ (એસઓપી - ગાઈડલાઈન)નું ચુસ્ત પાલન કરવાની શરતે જ આ મંજૂરી આપવામાં આવી હોવાનું શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
ડોર ટુ ડોર પ્રચારમાં પાંચ લોકોને જ છૂટ
ફેબ્રુઆરીમાં યોજાનારી પાલિકા-પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ ડોર ટુ ડોર પ્રચાર માટે માત્ર પાંચ લોકોને મંજૂરી અપાઈ છે. જો ઉમેદવારને કોરોના થાય તો ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે. જો કોઇ ઉમેદવાર કોરોના પોઝિટિવ હોય તો તે જાહેર પ્રચારમાં જોડાઇ શકશે નહીં. આવા ઉમેદવારે માત્ર સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવાનો રહેશે. કોરોનાના સંજોગોને ધ્યાને લઇને ચૂંટણી પંચે પણ શક્ય હોય ત્યાં સુધી સોશિયલ મીડિયાથી પ્રચારને અગ્રીમતા આપવા અપીલ કરી છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જાહેર સભાઓ માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ અગાઉથી જ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ સાથેના મેદાનો નિયત કરી લેવાના રહેશે. ઉપસ્થિતોની સંખ્યા મર્યાદાથી વધારે ન હોય તેની તકેદારી ચૂંટણી અધિકારી અને એસપીએ રાખવાની રહેશે. સભામાં હાજર રહેનાર તમામ વ્યક્તિઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.


