રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ

Wednesday 30th November 2016 06:33 EST
 

ગાંધીનગરઃ રાજ્યની ૧૦૩૧૮ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૭ ડિસેમ્બરે યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગે કરી છે. પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વાર નોટાનો ઉપયોગ કરાશે. આ જાહેરાતની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારથી જ આચારસંહિતા અમલી બનશે. વોર્ડના સભ્યો અને ગામના સરપંચ એમ બન્નેની ચૂંટણી એકસાથે યોજાશે. ૧૦૩૧૮ ગ્રામ પંચાયતના સરપંચ અને ૯૧૦૦૨ વોર્ડમાં સભ્યોની ચૂંટણી યોજાશે. ૨૫૪૫૪ મતદાન મથક પરથી ૧.૮૯ કરોડ મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે. રાજકીય પક્ષોના ચિહન વિના ચૂંટણી લડાશે છતાં ભાજપ અને કોંગ્રેસ પોતાના તરફી ઉમેદવારોને વિજયી બનાવવા મેદાને છે.
અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નોટાનું ઓપ્શન સ્વીકારાયું નહોતું. ગત વર્ષે પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીથી તેનો અમલ શરૂ થયો હતો. હવે ગ્રામ પંચાયતોમાં ‘ઉપરી પૈકીના કોઈ પણ નહીં’ એવો નોટાનો વિકલ્પ પસંદ કરવાની મતદારોને પ્રથમ વાર તક મળશે. આગામી પાંચમી ડિસેમ્બરે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. ૧૦મી સુધીમાં ઉમેદવારીપત્રો ભરી શકાશે જ્યારે ૧૨મીએ ચકાસણી અને ૧૪મી સુધીમાં પરત ખેંચી શકાશે. ૨૭ ડિસેમ્બરે સવારે ૮થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન થશે. જરૂર જણાશે તો ૨૮મીએ પુનઃ મતદાન અને ૨૯મીએ મત ગણતરી થશે.
રાજ્ય ચૂંટણી કમિશનર વરેશ સિંહાએ જણાવ્યું કે, ૯૮.૬૪ લાખ પુરુષ અને ૯૦.૮૨ લાખ સ્ત્રી મતદાર મળીને કુલ ૧.૮૯ કરોડ મતદાર મતદાન કરશે. ૬૧૧૨૮ મતપેટીનો ઉપયોગ કરાશે. પાંચ હજારથી વધુ ચૂંટણી અધિકારી તથા મદદનીશો, ૧.૪૯ લાખ પોલિંગ સ્ટાફ જ્યારે ૬૦,૪૮૬ પોલીસ કર્મચારી તહેનાત રહેશે. વધુ પંચાયતો હોવાથી ઇવીએમનો ઉપયોગ થઈ શકે તેમ ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે ૮૭ મુક્ત પ્રતીક નક્કી કર્યાં છે.
સરપંચોનો ટેકો તો પક્ષ જીતે
રાજ્યની ગ્રામ પંચાયતોમાં ભલે રાજકીય પક્ષોના પ્રતીકોનો ઉપયોગ થતો ન હોય પરંતુ, આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ માટે સ્થાનિક સ્તરનો જૂથવાદ મોટો પડકાર બનીને ઊભરી રહ્યો છે. આથી, વિધાનસભા બેઠક માટે ટિકિટ માટે જેના જેટલા સમર્થકો સરપંચપદે વધુ ચૂંટાઈ આવશે તેનો ૨૦૧૭માં ટિકિટ માટે દાવો પાક્કો બનશે. આથી, ભાજપ-કોંગ્રેસ અને અન્ય રાજકીયપક્ષો ગ્રામ્ય સ્તરે મજબૂત થવાના પ્રયાસોમાં લાગી ગયા છે. પક્ષો આજકાલ સરપંચને મજબૂત બનાવવાના પ્રયત્નોમાં પણ લાગી ગયા હોવાનું જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter