ગાંધીનગરઃ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો અને તેમાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયા એ પછીના તેના વળતા પ્રહારમાં ભારતીય વાયુદળે કરેલી એરસ્ટ્રાઇક બાદ સરહદે તંગદલીભરી સ્થિતિ છે. આ સંજોગોને ધ્યાને લઇ કચ્છની રણ અને દરિયાઇ સરહદે આર્મીની તહેનાતી છે.
આ ઉપરાંત દ્વારકા મંદિર આતંકવાદીઓના હીટલિસ્ટમાં હોવાથી મંદિર અને દરિયાની સાથે ઓખાના દરિયામાં પણ સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. જામનગરની આસપાસના માનવ વસ્તી વગરના ૯ ટાપુ પર વોચ ૨૭મીથી ગોઠવી દેવાઈ હતી. પોરબંદરમાં પણ દરિયામાં નજર રાખવા માટે ડ્રોન તહેનાત કરાયું છે.
પ્રભાસ પાટણના સોમનાથ મંદિરનું સુરક્ષા પણ એનએસડી કમાન્ડોને સોંપાઈ છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાનો પૂરતો જથ્થો સ્ટોક કરી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારે એર સ્ટ્રાઇક પછી તરત જ હાઇ લેવલ મિટિંગ બોલાવીને સરહદો અને આંતરિક સલામતી અંગે પરામર્શ કર્યો હતો.

