સખેડાઃ છોટાઉદેપુર કોલેજ ગ્રાઉન્ડ ખાતે ૫૬મા ગુજરાત ગૌરવદિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના પ્રવાસન સ્થળોની વિગતો દર્શાવતી એપ્લિકેશનનો શુભારંભ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે કરાયો હતો.
આનંદીબહેન પટેલે પોતાના પ્રવચનમાં છોટાઉદેપુરને નવોઢાની જેમ શણગારાયા હોવાનું જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં એક મહિનામાં રૂ. ૯૦૦ કરોડના વિકાસ કાર્યોની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ મુખ્ય પ્રધાનના હસ્તે થયા હતા. ગુજરાતના સ્થાપનાદિને મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, ગુજરાતની પ્રગતિમાં ૬ કરોડ ગુજરાતીઓનો ફાળો છે અને છોટાઉદેપુર જિલ્લામાં સૌ ખભે ખભા મિલાવીને જિલ્લાને આગળ ધપાવે એવી મહેચ્છા છે. આ સિવાય છોટાઉદેપુરમાં કૃષિ વિકાસ સહિતની તેમણે વિવિધ યોજનાઓની જાહેરાત કરી હતી.
નવ યોજના જાહેર
• દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં નર્મદાનું પાણી મળે માટે હાંફેસ્વર જૂથ યોજના રૂ. ૮૯૩ કરોડના ખર્ચે બનશે.
• ઓરસંગ નદી ઉપર તેજગઢ અને રાયસિંગપુર વચ્ચે પુલની જાહેરાત.
• ઓરસંગ નદી ઉપર રૂ એક કરોડના ખર્ચે ચેક ડેમ બનશે.
• સુખી જળાશય સમારકામની યોજના હાથ ધરવામાં આવશે.
• કસ્તુરબા વિદ્યાલય બનશે.
• વેટરનરી પોલિટેકનિક કોલેજની સ્થાપના થશે.
• બોર કે સિંચાઈની જરૂરિયાત માટે કરોડ રૂપિયાની ફાળવણી.
• જિલ્લાના વિકાસ માટે અઢી કરોડ રૂપિયાની જાહેરાત કરાઇ.
• નગરપાલિકાના વિકાસ માટે અઢી કરોડ રૂપિયા ફાળવાશે.


