રાજ્યની પ્રજાસત્તાક દિનની ઉજવણી આણંદમાં

Wednesday 25th January 2017 06:47 EST
 
 

ગાંધીનગરઃ દેશના ૬૮મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી મધ્ય ગુજરાતમાં આવેલા આણંદમાં થવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ૨૬મી જાન્યુઆરીએ રાજ્યપાલ ઓ. પી. કોહલી દ્વારા આણંદમાં ધ્વજવંદન કરવામાં આવશે અને પરેડની સલામી ઝીલવામાં આવશે. આ અવસરે રાજ્યની વિકાસગાથા દર્શાવતા વિવિધ કલાત્મક ટેબ્લો તેમજ આણંદ જિલ્લાની શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકારે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી જનભાગીદારીથી વિવિધ જિલ્લાના તાલુકાઓમાં કરવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. તે મુજબ રાજ્યના પ્રધાનમંડળના સભ્યો અને સચિવો વિવિધ સ્થળે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહેશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ધોળકામાં આયોજિત પ્રજાસત્તાક દિન નિમિત્તેના કાર્યક્રમમાં હાજરી આપશે.
આણંદમાં તૈયારીઓ
પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે આણંદ જિલ્લાના ઐતિહાસિક સ્મારકો, સરકારી કચેરીઓ તથા શહેરના મુખ્ય માર્ગો પર રોશની કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણી આણંદમાં થવાની હોવાથી આણંદ, વિદ્યાનગર, કરમસદ પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવી, રસ્તા, પાણીની પાઇપ લાઇન તેમજ ગટરના સમારકામની કામગીરી તાકીદે શરૂ કરી દેવાઈ હતી.
૨૫મીથી કાર્યક્રમો
મુખ્ય પ્રધાન રૂપાણી ૨૫મી જાન્યુઆરીએ બપોરે આણંદ પહોંચીને કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરશે. કરમસદ હાઈસ્કૂલ ખાતે યોજાનારા ખેડૂત સંમેલનમાં પ્રગતિશીલ ધરતીપુત્રોનું તેઓ સન્માન કરશે અને માર્ગદર્શન આપશે.
મુખ્ય પ્રધાન ભારત સરકારના ડોમેસ્ટિક એફિશિઅન્ટ લાઈટિંગ પ્રોગ્રામ અન્વયે એલઈડી ટ્યુબલાઈટ અને ફાઈવ સ્ટાર રેટેડ એનર્જી એફિશિઅન્ટ પંખાના રાજ્યવ્યાપી વેચાણનો પ્રારંભ પણ કરાવશે.
રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ શાસ્ત્રી મેદાન આણંદ ખાતે યોજાનારા ‘આણંદની અસ્મિતા’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કરશે અને નગરજનોના આનંદ ઉત્સાહમાં સહભાગી થશે. આણંદ શહેર અને જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓનું ૨૫મીએ રાજ્યપાલ ઓ. પી. કોહલી દ્વારા એટહોમ સમારોહમાં સન્માન કરવામાં આવશે જેમાં મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter