ગાંધીનગરઃ રાજ્યમાં રવિવારે ૧૧૫૩ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૧૧૨૯ બેઠક અને ૬૦૪૯ વોર્ડના સભ્યપદ માટે ચૂંટણી યોજાઈ હતી. સમગ્ર રાજ્યમાં સરેરાશ ૭૦થી ૮૦ ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ મતદાન ચિખલી તાલુકાના કણભઈ અને સતાડીયા ગ્રામપંચાયતમાં ૯૧ ટકા જેટલું નોંધાયું હતું. કેટલીક જગ્યાએ ઇવીએમ ખોટકાતાં ચૂંટણી શરૂ થવામાં વિલંબ થયો હતો.
જોટાણાના તેજપુરના વોર્ડ નં.૬ના એક ઉમેદવારના ચિન્હના વિવાદમાં ત્રણ કલાક મોડું મતદાન શરૂ થયું હતું. કુકરની જગ્યાએ ડોલ નિશાન અપાયાનો વાંધો ઉઠ્યા બાદ સમજાવટથી નિશાન સ્વીકારી લેતાં મતદાન યોજાયું હતું.
રાજ્યની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ૫૯૨૮ ઉમેદવારોનું, જ્યારે વોર્ડ માટે ૨૨૦૪૦ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું હતું. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની જાહેરાત બાદ ૧૦૫૦ ગ્રામ પંચાયત આંશિક સમરસ થઈ હતી, એટલે કે આ ગ્રામ પંચાયતોની ૧૦૨ સરપંચની બેઠક અને ૪૧૯૫ વોર્ડ બિનહરીફ થયા હતા.


