રાજ્યનું રૂ. ૧૭૨૧૭૯ કરોડનું બજેટ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા રજૂ

Wednesday 22nd February 2017 06:22 EST
 
 

ગાંધીનગરઃ ડિસેમ્બરમાં પાંચ વર્ષ પૂરા કરનારી ૧૩મી વિધાનસભામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પહેલું અને ભાજપની વર્તમાન સરકારનું છેલ્લું બજેટ નાણાવિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મંગળવારે રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતાં પહેલાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ બજેટ પ્રજાલક્ષી સર્વાંગી વિકાસવાળું હશે અને જેમાં વિપક્ષનાં યોગ્ય સૂચનોને પણ ધ્યાનમાં લેવાશે. નીતિન પટેલે રજૂ કરેલાં અંદાજપત્રનું કદ રૂ. ૧૭૨૧૭૯ કરોડ છે. નીતિન પટેલ દ્વારા રૂ. ૨૩૯.૧૬ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ થયું છે. જેમાં રૂ. ૧૩૧૫૨૧.૨૩ કરોડની મહેસૂલી આવક અને રૂ. ૧૨૫૪૫૫.૬૩ કરોડના મહેસૂલી ખર્ચનો સમાવેશ થાય છે. બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાત કરાઈ છે. ખેડૂતોને ૫૦ ટકાને બદલે ૭૦ ટકા સબસિડી અપાશે જ્યારે ધોરણ ૧૨ બાદ મેડિકલના અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓની ૧૦૦ ટકા ફી સરકાર ભરશે. બજેટમાં કોઇપણ વેરા અને વેટમાં વધારો કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે નીતિન પટેલે વર્ષ આ બજેટ રજૂ કરતાં ઇતિહાસ રચ્યો. નીતિન પટેલે સૌથી લાંબુ ત્રણ કલાક અને છ મિનિટ બજેટ પ્રવચન આપ્યું હતું. બપોરે ૧.૧૪ વાગ્યે શરૂ થયેલા બજેટની રજૂઆત ૪.૨૦ કલાકે પૂરી થઈ. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને યુવાનો પર બજેટમાં લ્હાણી કરવાની સાથે ગળું બેસી ગયા છતાં પ્રજાને રિઝવવા નીતિન પટેલ સતત બોલતાં રહ્યાં.

બજેટ ૨૦૧૭ ઉડતી નજરે...

• ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો પૂરો પાડવા રૂ. ૪૦૧૧ કરોડની ફાળવણી
• ખેડૂતોને ૧ ટકાના દરે પાક લોન
• ખેડૂતોને ટ્રેકટરની ખરીદી માટે રૂ. ૨૪૦૦૦ની સહાય
• ટપક સિંચાઇમાં સબસિડી ૫૦માંથી ૭૦ ટકા
• શિક્ષણ વિભાગ માટે રૂ. ૨૫૦૦૦ હજાર કરોડની જોગવાઈ
• ૬૫૦૦ નવી પ્રાથમિક શાળાઓ બનાવાશે
• ગુજરાતી વિદ્યાર્થીઓએ વિદેશ અભ્યાસ માટે લીધેલી લોનના મોરાટોરિયમ પીરિયડનું વ્યાજ સરકાર ભરશે
• મેડિકલ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે શિક્ષણ
• ૨ નવી સૈનિક શાળાઓ બનશે
• વડોદરા, સુરત, જામનગર મેડિકલ કોલેજોની બેઠકમાં
વધારો થશે
• ધો.૧૨ પછી વિદ્યાર્થીઓને રૂ. ૧૦૦૦માં ટેબ્લેટ
• રૂ. ૧૫ લાખ સુધીની હોમલોન પર વ્યાજ સહાય
• પાલિકાઓની ગ્રાન્ટમાં ૧૦ ટકાનો વધારો
• અંબાજી, દ્વારકા, સોમનાથ જેવા સ્થળોએ હેલિકોપ્ટર સેવા
• સ્માર્ટ સિટી માટે રૂ. ૫૯૭ કરોડની ફાળવણી
• ૫૦ નવા CNG સ્ટેશન ઉભા કરાશે
• ડો. બાબાસાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય યોજના જાહેર
• સાયન્સ સિટીના બીજા તબક્કાના વિકાસ માટે રૂ. ૪૨ કરોડ
• ૬૦ વર્ષથી વધુની વયના વડીલોની યાત્રા માટે એસ.ટી. બસ ભાડે કરશે તો ૫૦ ટકા ભાડું સરકાર દ્વારા
• શહેરી આવાસ માટે રૂ. ૧૩૪૦ કરોડ
• ૨૫૦૦ કિલોમીટરના રસ્તા રિસરફેસિંગ કરાશે, ૭૩૦ કિલોમીટરના રસ્તા ફોર લેન થશે, સુરત મેટ્રો રેલ પ્રોજેકટ માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ
• અમદાવાદમાંથી પસાર થતી ખારીકટ કેનાલનું રિડેવલપમેન્ટ
• એરોસ્પેસ અને ડિફેન્સ માટે રૂ. ૨૦૦ કરોડ
• સ્ટાર્ટ-અપ વેન્ચર્સ માટે રૂ. ૧૭ કરોડ
• અમદાવાદ સિવિલ હોસ્પિટલના આધુનિકીકરણ માટે
રૂ. ૧૨૯ કરોડ
• પાણી પુરવઠા માટે રૂ. ૩૦૧૦ કરોડ
• નર્મદા નદી ભાડભૂત ખાતે રૂ. ૪૦૫૦ કરોડના ખર્ચે પાણીયોજના
• સરદાર સરોવર વિરાટ યોજના માટે રૂ. ૫૧૦૦ કરોડની ફાળવણી
• વલ્લભીપુર, ગટસિસર અને કચ્છ કેનાલના પેટા નહેર વિતરણ માટે રૂ. ૭૯૧ કરોડની જોગવાઈ
• કચ્છમાં ટપર ડેમમાં પાણી ભરવા માટે રૂ. ૧૬૦ કરોડની ફાળવણી
• મા વાત્સલ્ય યોજનાનો લાભ મેળવવા માટે આવક મર્યાદા
રૂ. ૧.૨૦ લાખથી વધારીને ૧.૫૦ લાખ
• આરોગ્ય ક્ષેત્રે રૂ. ૮૮૦૦ કરોડની જોગવાઈ.
• ઘુડખર, ગીરના સિંહો તેમજ વ્હેલ શાર્કના સંવર્ધન માટે રૂ. ૧૧૮ કરોડની જોગવાઈ.
• હસ્તકળાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ
• ચર્મઉદ્યોગના કામદારોને સુરક્ષિત બજાર માટે રૂ. ૫૦ લાખ
• પ્લાસ્ટિક ઉદ્યોગ માટે રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ
• ટેક્સટાઈલ પોલીસી અંતગર્ત પ્રોત્સાહન આપવા માટે રૂ. ૫૭૦ કરોડની જોગવાઈ
• રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ માટે રૂ. ૬૦૦ કરોડની જોગવાઈ
• કાયદો અને વ્યવસ્થા માટે રૂ. ૫૦૦૦ કરોડની જોગવાઈ
• ટ્રાફિકનુ સરળ સંચાલન થાય તે માટે વધુ ૧૦૦૦ ટ્રાફિક પોલીસ મેનની ભરતી કરાશે
• અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટમાં વધુ સ્થાનોએ સીસીટીવી કેમેરા લગાવાશે
• શહેરી વિકાસ અને ગૃહનિર્માણ માટે રૂ. ૧૧૫૦૦ કરોડની જોગવાઈ
• યુવા સ્વાવલંબન યોજના માટે રૂ. ૧૧૦૦ કરોડ
• ઉદ્યોગ અને ખાણ ક્ષેત્ર માટે રૂ. ૩૮૦૦ કરોડની જોગવાઈ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter