રાજ્યભરમાં કાચું સોનું વરસ્યું, ચોમાસાની જમાવટથી ખેડૂતો ખુશ

Tuesday 28th July 2015 14:53 EDT
 
 

અમદાવાદઃ લગભગ એકાદ મહિનો રાહ જોવડાવ્યા પછી રાજ્યમાં ફરીથી મેઘમહેર થઇ રહી છે. મેઘરાજા સમગ્ર રાજ્યમાં મન મુકીને વરસતાં લોકોમાં પાણીની ચિંતા ઘટી છે. ખાસ કરીને ખેડૂતોને જરૂરી વરસાદ પડતા રાહત થઇ છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર ૨૫ જુલાઇથી છવાયેલી સિસ્ટમથી ગુજરાતમાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે. મંગળવારે પણ ધીમી ધારે પણ સતત અને વ્યાપક વરસાદ પડ્યો હતો. અધિક અષાઢ માસ કોરો જતાં સર્જાયેલી ચિંતાઓનો અંત આવ્યો છે. અમદાવાદ પંથકમાં સતત ત્રણ દિવસ વરસાદથી જનજીવનને અસર પહોંચી હતી.
કચ્છ-બનાસકાંઠામાં રેકોર્ડ
રાજ્યમાં સૌથી ઓછા વરસાદ માટે વર્ષોથી જાણીતા સરહદી જિલ્લા બનાસકાંઠાના સૂઇગામ તાલુકામાં ૧૯૮૫થી ૨૦૧૪ સુધીના સમયની વરસાદની સરેરાશ પાંચેક ઇંચ જેટલી રહી છે. હવે આ વર્ષે અહીં રેકોર્ડ થયો છે અને ત્રણ દિવસમાં ૧૯ ઇંચથી પણ વધુ વરસાદ થયો છે. મંગળવારે સાંજના અહેવાલ મુજબ બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા થયા છે. જિલ્લાના ૧૦ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. લાખણીમાં ૨૧ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દિયોદરમાં પણ ૨૦ ગાયો અને ડીસાના સમશેરપુરામાં પણ અનેક પશુઓ તણાયા છે. જ્યારે ધાનેરાના તરાલ પાસે છ લોકો તણાયા હોવાનું જાણવા મળે છે. બનાસકાંઠામાં વરસાદનો કહેર જોતાં NDRFની ત્રણ ટીમ પહોંચી છે. ઉપરાંત અમદાવાદ ફાયર બ્રિગેડની ત્રણ બોટ બનાસકાંઠા મોકલાઇ છે. આ ઉપરાંત વડોદરાથી પણ ફાયર બ્રિગેડની ટીમ બનાસકાંઠા જવા નીકળી હતી. ભારે વરસાદને કારણે ધાનેરા થરાદ વચ્ચેનો વોહરા પરનો બ્રીજ તૂટ્યો છે.
આવી જ સ્થિતિ કચ્છની છે. અહિં અવિરત વરસાદને કારણે મંગળવાર સુધીમાં અબડાસામાં સાત, અંજારમાં ૨૧, ભચાઉમાં ૧૪, ભૂજમાં ૧ ૬, ગાંધીધામમાં નવ, લખપતમાં ૧૦, માંડવી-મુન્દ્રામાં આઠ, નખત્રાણામાં ૧૮ અને રાપરમાં ૧૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે પાલનપુર-ભૂજ રેલલાઇનનું ધોવાણ થયું છે.
મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. નર્મદા ડેમ વિસ્તાર અને ભરૂચ-નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો, પાણીની આવક સતત ચાલુ રહેશે તો નર્મદા ડેમ ત્રણ દિવસમાં છલકાશે. વડોદરા જિલ્લામાં ચાર ઇંચથી ૧૪ વરસાદ પડ્યો છે. પાદરામાં પાંચ ઇંચ વરસાદ થયો છે. પંચમહાલ-દાહોદ પંથકમાં ભારે વરસાદના અહેવાલ છે. મહિ કાંઠાના ૪ ૬ ગામોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક ઠેકાણે ભારે વરસાદ પડી રહ્યો છે. મોરબીના મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થતાં ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત બારડોલી, કામરેજ, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં નોંધપાત્ર વરસાદના અહેવાલ છે.
વાલોડમાં તોફાની વરસાદ
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ૧૧ કલાકમાં નવ ઈંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુરમાં સાત ઈંચ, પારડીમાં સાડા ચાર, અને કપરાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ પંથકમાં ભારે વરસાદથી વાંકી નદી બે કાંઠે વહેતી થતાં બારગામનો વલસાડ સાથેનો વાહનવ્યવહાર ઠપ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter