અમદાવાદઃ ૫મી સપ્ટેમ્બરના રોજથી રાજ્યમાં ગણેશોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. પ્રાપ્ત આંકડા અનુસાર રાજ્યભરમાં દોઢ લાખ કરતાં પણ વધુ સાર્વજનિક ગણેશની સ્થાપના થઈ છે. અમદાવાદમાં ૧૦,૦૦૦ કરતાં વધુ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન છે અને આ વર્ષે ઇકોફ્રેન્ડલી પ્રતિમાની જ વધુ સ્થાપના થઇ રહી છે.
આ અંગે છેલ્લા ૨૩ વર્ષથી કાર્યરત ગુજરાત શ્રીગણેશ ઉત્સવ એસોસિએશનનાં અધ્યક્ષ મનમોહનસિંહે જણાવ્યું કે ગુજરાતમાં સાર્વજનિક ગણેશોત્સવનો ક્રેઝ વધી રહ્યો છે, ખાસ કરીને આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ સુરતમાં સૌથી વધુ યોજાઇ રહ્યાં છે. એ પછી વડોદરા, અમદાવાદ, મહેસાણા, ગોધરા અને રાજકોટમાં પણ આ રીતે જ માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગણેશ મંડળો વિવિધ કલાત્મક પ્રતિમાઓની સ્થાપના કરી રહ્યાં છે.


