અમદાવાદઃ રાજ્યમાં કેટલાક વિસ્તારને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં સતત બે-ત્રણ દિવસ સુધી મેઘરાજા મહેરબાન રહેતાં મૂરઝાતા પાકને જીવનદાન મળ્યું છે. આથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. રાજ્ય સરકારને પણ વરસાદ પડતાં રાહત થઇ છે અને દુષ્કાળનો ભય ટળ્યો છે. ૧૯ સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં ચારથી નવ ઇંચ સુધી વરસાદ નોંધોયો છે. દક્ષિણ ગુજરાતમાં ચીખલી-ખેરગામ તાલુકામાં સૌથી વધુ નવ ઇંચ વરસાદ જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક પાંચ ઈંચ સુધી વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં જ સુરતમાં ૨૪ કલાકમાં ૮ ઇંચ, નવસારીના ચીખલી-ખેરગામમાં ૯ ઇંચ, બારડોલીમાં ૨૪ કલાકમાં ૭ ઇંચ, વાંસદા તાલુકામાં ૬ ઇંચ, ડાંગ જિલ્લાના વઘઇમાં ૭ ઇંચ, આહવા-સાપુતારામાં ૫ ઇંચ, વલસાડમાં ૭ ઇંચ, પારડીમાં ૭ ઇંચ પાણી પડ્યું હતું. વાંસદામાં વાવાઝોડા સાથે વરસાદથી તારાજી થઈ હતી.
સૌરાષ્ટ્રના અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક બે થી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કરાણા ગામે ખેતીકામ કરી રહેલા ૪૦ વર્ષીય ખેડૂત ખીમજી શામજી નારીયા ઉપર વીજળી પડતા તેનું મોત થયું હતું. મધ્ય ગુજરાતના ફતેપુરા તાલુકામાં ડુંગર સામે ખેતરમાં બકરા ચરાવવા ગયેલા રાકેશભાઈ લયજીભાઈ પારગી (ઉ.વ.૧૭) પર વીજળી પડતા મોત થયું હતું. કેટલાક વિસ્તારમાં અનરાધાર વરસાદ પડતા ૩૦ ડેમ હાઇએલર્ટ, ૨૪ ડેમ એલર્ટ જાહેર કરાયા છે, જ્યારે ૧૦ ડેમ પૂરા ભરાઇને છલકાઇ ગયા છે. રાજ્યના સૌથી મોટા નર્મદા ડેમની સપાટી ૧૨૧.૨૦ મીટરે પહોંચી હતી.
વરસાદના કારણે દીવના વણાકબારામાં રવિવારે બે બોટ ડૂબી જવાની ઘટના પછી સોમવારે પણ વધુ બે બોટ ડૂબી ગઇ હતી, જો કે ૧૨ માછીમારોનો આબાદ બચાવ થયો હતો. ભાવનગર જિલ્લાના તળાજા અને જેસરમાં ૪-૪ ઇંચ તથા મહુવા-ગારિયાધારમાં બે-બે ઇંચ વરસાદ થયો હતો.
આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, તાપી સહિતના આશરે ૧૭ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં માંડવીમાં ૬૧ મીમી, અંજારમાં ૩૦ મીમી સહિત મોટાભાગના તાલુકાઓમાં વરસાદ થયો છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ હાંસોટમાં ૮૭ મીમી, અને ઓછામાં ઓછો વરસાદ આમોદમાં ૩ મીમી પડ્યો હતો. જ્યારે ભરૂચમાં ૪૯ મીમી, અંકલેશ્વરમાં ૨૭મીમી, વાગરામાં ૪૨ મીમી, જંબુસરમાં ૨૯, નેત્રંગમાં ૯ મીમી અને ઝઘડિયામાં ૩૦મીમી વરસાદ નોંધાયો હતો.તો વડોદરા શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં પણ ઝરમરિયો વરસાદ ચાલુ રહ્યો હતો.