ગાંધીનગરઃ રાજ્યમાં ૧૬મીથી અનેક ગામ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ હતો. જૂનાગઢ જિલ્લામાં સરેરાશ ૨ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. કેટલીક જગ્યાએ વીજળી પડતાં મકાનોને નુકસાન થયું હતું. ફતેપુરાના ભોજેલામાં એક ગાયનું મોત થયું હતું.
ભાવનગર જિલ્લામાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં મેઘ મહેરબાન થયાં હતાં. ૧૬મીએ મહુવામાં ૧ કલાકમાં અનરાધાર ૩ ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા તો નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાણા પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત પાલિતાણામાં ૧૫ મી.મી., જેસરમાં ૧૮ મી.મી., તળાજામાં ૭ મી.મી. અને ગારિયાધારમાં ૫ મી.મી. વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના કેશોદ, વંથલીમાં ૧૭મીએ બારે મેઘખાંગા થતાં ૨ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં ૧૭મીએ બપોરબાદ સાર્વત્રિક અડધાથી લઈ દોઢ ઇંચ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી ગયો હતો. બગસરામાં પણ ધોધમાર પોણો ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે ખાંભામાં સવા ઇંચ પાણી પડી ગયું હતું. આ ઉપરાંત રાજુલામાં ૧૮મીએ બપોરે ત્રણેક વાગ્યાના સુમારે ધોધમાર એક ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સાવરકુંડલા શહેરમાં ધોધમાર એક ઇંચ વરસાદ પડી ગયો હતો. પોરબંદરના રાણાવાવમાં ૨ કલાકમાં ૨ ઈંચ, કુતિયાણા-રાણાવાવમાં ૧ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં પણ સરેરાશ ૨ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં ૧૬મીએ મોડી સાંજે ધોધમાર ઝાપટાથી શહેર પાણી-પાણી થઈ ગયું હતું.
રાજકોટ શહેર અને જિલ્લામાં પણ સાર્વત્રિક અડધોથી ૨ ઇંચ સુધીનો વરસાદ પડતાં વાતાવરણ બદલાઈ ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં ઝાપટા પડતાં ડાંગરના પાકને જીવતદાન મળ્યું હતું.


