ગાંધીનગર: રાજ્ય સરકારે સોમવારે રાજ્યના શહેરી વિસ્તારોમાં મકાનોના બાંધકામ માટે એકસમાન જીડીસીઆરની જાહેરાત કરી હતી. ગાંધીનગર તથા સાબરમતી રિવરફ્રન્ટને નિયમોમાંથી બાકાત રખાયા છે. નવા જીડીસીઆર મુજબ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના નિયમોને મોડેલ ગણીને સમગ્ર રાજ્યમાં ૭૦ મીટર (આશરે બાવીસ માળ) સુધીના બિલ્ડિંગ બાંધી શકાશે. અત્યારે મકાન બાંધકામ માટે રાજ્યની સાત મહાનગરપાલિકાઓ અને ૧૫૭ નગરપાલિકાઓના જુદા-જુદા નિયમો હતા, પણ હવે એકસમાન નિયમો લાગુ પડશે. નવા નિયમોને પગલે રાજ્યમાં બાંધકામ ઉદ્યોગને વેગ મળશે તથા પરવડી શકે એવા હાઉસિંગ પ્રોજેક્ટને મદદ મળી રહેશે એમ રાજ્ય સરકારે જણાવ્યું હતું. અમદાવાદ- ઔડાના નિયમોને મોડેલ ગણીને સમગ્ર રાજ્યના શહેરોમાં મહત્તમ ૭૦ મીટર (અંદાજે ૨૨ માળ)ની ઉંચાઇને મંજૂરી મળશે.


