અમદાવાદ: રાજ્યની વિવિધ એજન્સીઓએ છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સહિત રાજ્યભરમાંથી ૪.૫૩ કરોડનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું હોવાના અહેવાલ ૧૩મી ફેબ્રુઆરીએ મળ્યા છે. રાજ્યમાં સૌથી વધુ મેફેડ્રોન જપ્ત થયું છે. ખાસ તો લોકડાઉન પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો વધ્યો છે. છેલ્લા નવ મહિનામાં રાજ્યમાં છ વાર ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. ઉપરાંત ગાંજા અને અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરી પણ પકડાઈ છે. સૌથી વધુ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાંથી ઝડપાયો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ૧૩ સપ્ટેમ્બરે એક કરોડના એમડી ડ્રગ્સ સાથે એએસઆઈ સહિત પાંચને ઝડપ્યા હતા. વધુ તપાસમાં મુંબઈમાં બોલિવૂડના લોકો સહિત મહારાષ્ટ્રમાં એમડી ડ્રગ્સનો સપ્લાય કરનારો અફાક બાવા ઝડપાયો હતો. તેના સાથીદારો હજુ એમડીની હેરાફેરી કરતા હોવાની આશંકા છે. મુંબઈથી સુરત, અમદાવાદમાં એમડી ડ્રગ્સ ઘૂસાડવાનું પ્રમાણ વધ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. કોલેજિયનો ડ્રગ્સ માફિયાઓના ટાર્ગેટ પર હોય છે. ડીસીબીએ સુરતમાં એક જ દિવસમાં કુલ ૩ કરોડુનું એમડી ડ્રગ્સ પકડ્યું હતું.

