રાજ્યમાં કમોસમી વરસાદઃ પાકને વ્યાપક નુકસાન

Wednesday 11th March 2020 06:05 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં પાંચમી માર્ચે સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો અને રાજ્યભરમાં કમોસમી વરસાદ આવ્યો હતો. પાંચમીથી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ તેમજ પવનના ભારે સૂસવાટા સાથે વરસાદ તૂટી પડયો હતો. કચ્છમાં વરસાદની સાથે સરહદી વિસ્તાર ખાવડામાં કરા પણ પડયા હતા. અમદાવાદમાં મોડી સાંજે ૭ વાગ્યા પછી એકાએક ધોધમાર વરસાદ પડવાનો ચાલુ થઇ ગયો હતો. બે દિવસમાં રાજ્યના ૧૧૬ તાલુકાઓમાં કમોસમી વરસાદ થવાથી જીરું, વરિયાળી, ઇસબગુલ, ઘઉં અને કેરીના પાકને ભારે નુકસાન થયાના અહેવાલ છે.
સાયક્લોનિક સરક્યુલેશનની અસર
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતાં તેની અસર સમગ્ર ગુજરાત પર વર્તાઇ હતી. જેમાં પાંચમીએ સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલું હતું અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પમી માર્ચની બપોર બાદ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડયો હતો. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી છાંટા થયા હતા. સમગ્ર કચ્છમાં વરસાદ થયો હતો અને ખાવડા પંથકમાં કરા સાથે વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં પાંચમીએ બપોર બાદ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.
કમોસમી વરસાદથી હોળીની પૂનમ ભરવા પગપાળા જતા પદયાત્રીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જૂનાગઢના માંગરોળમાં ૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. માળિયા હાટીના પંથકમાં પણ વરસાદી છાંટા પડયા હતા. રાજકોટમાં ૧૫ કિ.મી.ની સ્પીડે, જામનગરમાં ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.
આ વર્ષે દિવાળીમાં વરસાદ પડયા બાદ ફાગણ માસમાં પણ હોળી પર્વના ટાણે વરસાદ પડયો હતો. જે બાબતે લોકોને ભારે અચરજ પમાડી હતી. હોળીના પર્વે વરસાદ પડયો હોય તેવું ભૂતકાળમાં બન્યું હોય તેવું વડીલવર્ગને પણ યાદ નથી. હાલમાં ત્રેવડી સિઝન ચાલે છે. સવારે ઠંડી, બપોરે ગરમી અને હવે સાંજે વરસાદ પડતા એક જ દિવસમાં લોકોએ ત્રણેય સિઝનનો અનુભવ કર્યો હતો. જેના કારણે મચ્છરજન્ય રોગચાળો વધુ ફેલાવાની શક્યતા રહેલી છે. શરદી, ખાંસી, તાવ, ડેન્ગ્યુનો રોગ વકરશે. બીજી તરફ કોરોના વાયરસના ફેલાવાની પણ શક્યતા છે.
ખેડૂત વર્ગ ચિંતામાં
હાલમાં ઘઉંની કાપણીનું કામ ચાલે છે. જે ખેડૂતોએ ઘઉં કાપી નાંખ્યા હતા તેવા ઘઉં વરસાદથી પલળી ગયા છે. જેથી ખેડૂતોને ભાવમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. જે ખેડૂતોએ બટાટા કાઢયા હતા તેવા અનેક ખેડૂતોમાં બટાકાને વરસાદથી બચાવવા દોડધામ મચી ગઈ હતી.
કેરી, ચીકુ સહિતના પાકને નુકસાન
કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતમાં કેરી, ચીકુ સહિતના પાકને નુકસાન થયું છે. ફળફળાદી તેમજ શાકભાજીને આ વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. આગામી દિવસોમાં આંબા પરથી કેરીઓ ખરી પડવાની અને ખરાબો લાગવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. ઝાકળ, ધુમ્મસ અને હવે માવઠાને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આંબાના મોર ખરવા માંડતા ઉત્પાદનને માઠી અસર થશે.
ઉપરા-ઉપરી માવઠાને લઈ ખેડૂતોની તમામ ગણતરીઓ ઊંધી પડી રહી છે. મોંઘા દવા, ખાતર અને બિયારણનો ખર્ચો પણ માથે પડી રહ્યો છે.




to the free, weekly Gujarat Samachar email newsletter