અમદાવાદ: રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠાના અમીરગઢ તેમજ કચ્છ અને ડાંગ નજીકના ગામોમાં ભરઉનાળે સાતમી અને આઠમી એપ્રિલે કમોસમી વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં નવમી એપ્રિલે પણ ખંભાળિયા અને બગસરામાં વરસાદ ચાલુ રહ્યો હતો. ઉત્તર ભારતથી લઈ દક્ષિણ ભારત સુધી જમીન પર દબાણ પટ્ટો રચાયો છે અને ઉત્તર દક્ષિણ જમીન પરનું હવાનું દબાણ ઘટવાથી દેશના ઉત્તર ભારત, મધ્ય ભારત, રાજસ્થાન, ગુજરાત અને પૂર્વના રાજયોમાં અપર એર લોવર લેવલ એર સરક્યુલેશનથી રાજ્યના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટા પડયાં હતાં. હવામાનવિદો પ્રમાણે, સૌરાષ્ટ્ર – કચ્છના હવામાનમાં અચાનક આવેલા પલટા પાછળ મધ્ય પાકિસ્તાનમાં સર્જાયેલ સાયકલોનિક સરક્યુલેશન કારણભૂત હોઈ શકે છે. મધ્ય પાકિસ્તાન તરફથી સર્જાયેલી સાયકલોનિક અસરે ભારત તરફ ખાસ કરીને ગુજરાતને અસર કરી હતી. આ કારણે વરસાદ પડ્યો હતો. જોકે આ વરસાદ કે પવનની માત્રા વધુ પ્રમાણમાં ન હોવાથી પાકને ખાસ નુકસાની થવાની શકયતા નથી.
સૌરાષ્ટ્રમાં સાતમીએ બપોર બાદ કાળાઝાળ ગરમીના આ દિવસોમાં અચાનાક હવામાન પલટો આવ્યો હતો. રાજકોટના કાલાવડ પંથકમાં તો ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ છવાયો હતો. વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદના ઝાપટા પણ પડ્યા હતાં. મેડોડા જીઆઇડીસી નજીક છાપરા ગામે ખેતરમાં કામ કરતાં એક યુવાન ઉપર વીજળી પડતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
સાતમીએ અમરેલી, દ્વારકા, ખંભાળિયા-ભાણવડ રોડ પર કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડયા હતા. ધારીના પરા વિસ્તારમાં તેમજ ભાડેર, મોણવેલ, દલખાણિયા, સરસિયામાં વરસાદના છાંટા પડયા હતા. કચ્છના બન્ની વિસ્તારમાં કરા પડયા હોવા ઉપરાંત ખાવડા પંથકમાં તોફાની પવનથી ધૂળની ડમરીઓ ઊડી હતી. ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના સુબીર તાલુકામાં ગાજવીજ સાથે સાતમીએ વરસાદ થયો હતો. ડાંગની સરહદના મહારાષ્ટ્રના ગામોમાં અડધો કલાક ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.
નવમીએ હવામાન ખાતાએ રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવ જિલ્લામાં ૪૮ કલાક વરસાદની આગાહી હતી તો નવમી એપ્રિલે સતત બીજા દિવસે પણ ખંભાળિયા પંથકમાં અને બગસરામાં વરસાદ હતો. વરસાદના કારણે ખેડૂતોને કેરી, ઘઉં અને જીરુના પાકને નુકસાન થવાની ચિંતા છે.
એપ્રિલ મે માસમાં સીબી કલાઉડનો વરસાદ થવો સ્વાભાવિક ગણાય છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ એપ્રિલ મે માસમાં લોકલ સિસ્ટમથી રચાતા સીબી કલાઉડનો વરસાદ વરસવો સ્વાભાવિક પ્રક્રિયા છે. જેમાં સવારના દસ વાગ્યાથી આકરો તાપ પડે અને હવાનો ભેજ ઉપર ચડી બપોર બાદ વરસાદ વરસે છે. આવું બધે ન બને પણ જ્યાં લોકલ સિસ્ટમ રચાઈ જાય એ વિસ્તારમાં વરસાદ પડે અને કરા પણ પડવાના બનાવ બની શકે છે.


