અમદાવાદઃ વાતાવરણમાં એકાએક પલટો આવતાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં વાવાઝોડા તેમજ ગાજવીજ સાથે ૧૧મીએ માવઠું પડયું હતું. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ઉપલેટા, ધોરાજી, ઇસરામાં વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. ભુજમાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો, વીજ થાંભલાઓ તેમજ મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. ઉત્તર ગુજરાતમાં રાધનપુર, કડી, હારીજ, થરાદ અને કાંકરેજમાં વરસાદી માવઠું પડયું હતું. પાટણ જિલ્લાના સમી તાલુકાના નાની ચુંદર ગામે વીજળી પડવાથી એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે હળવદના મયૂરનગરમાં વીજળી પડતા સીમાબહેન વિષ્ણુભાઇ કવાડીયા (૨૫) અને તેમના ભાણેજ મેહુલ ઇશ્વરભાઇ તડવીરનું (૫) મોત થયું હતું.
૧૧મીએ પણ રાજ્યમાં અનેક ગામ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. આ વરસાદથી બાગાયતી પાકોને નુક્સાન તેમજ ઉનાળું પાકોને ફાયદો થશે તેવું ખેતીવાડી શાખાના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે. ઘઉંના ઉભા પાકને પણ નુક્સાની થવાની સંભાવના છે. બાગાયતી પાકોમાં કેળા, ખારેક અને કેરીના પાકને વરસાદ અને વાવાઝોડાથી ભારે નુકશાની થવાની સંભાવના છે.
૧૧મી એપ્રિલે આવેલા માવઠાને લઇને ઉંઝા, રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો વરિયાળી, ઇસબગુલ, જીરુ સહિતનો માલ પલડી જતા ભારે નુકશાની થવા પામી હતી.
વરસાદને પગલે ઉંઝા યાર્ડમાં ૧૧મીએ એક દિવસ પૂરતી હરાજીની કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે થતા કેળાના પાકને વરસાદથી નહીં પરંતુ તેની સાથે વાવાઝોડુ આવે તો કેળાનો પાક ખરી પડતા મોટાપાયે નુક્સાની થઇ શકે છે.


