અમદાવાદઃ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાંચમીએ જણાવ્યું હતું કે, ૨૦ ટકા ગરીબ પરિવારો સન્માન સાથે જીવી શકે તે માટે કોંગ્રેસે વાર્ષિક રૂ. ૭૨૦૦૦ આપવાનો સંકલ્પ કર્યો છે. આ યોજનાથી ગુજરાતના ૪૦ લાખ પરિવારોને લાભ થશે. પ્રભારીએ દાવો કર્યો કે, ગુજરાતમાં કોંગ્રેસ ૧૩ કે તેથી વધુ બેઠકો ઉંપર જીતશે. તેમણે કહ્યું કે, જે કહીશું તે કરીશું. જીએસટીનું સરળીકરણ કરીશું. રોજગારી ઉત્પન્ન થાય તે માટે પ્રયાસ કરીશું. ભાજપ સરકારે નોટબંધી કરી તેના કારણે ૪ કરોડથી વધુ લોકોએ દેશમાં નોકરી ગુમાવી છે.

