રાજ્યમાં કોરોના નબળો પડ્યોઃ કેસની સંખ્યામાં ઘટાડો

Tuesday 15th December 2020 12:20 EST
 
 

અમદાવાદઃ રાજ્યમાં કેર વર્તાવનાર કોરોના મહામારી હવે કંઇક અંશે અંકુશમાં આવી રહી હોય તેવા અણસાર છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મંગળવારે સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા ૧,૨૦૦થી ઓછી નોધાઈ હતી. મંગળવાર સાંજના પાંચ વાગ્યા સુધીના વીતેલા ૨૪ કલાકમાં નવા ૧,૧૧૦ કેસ નોંધાયા છે. બીજી તરફ, સારવાર લઈ રહેલા વધુ ૧૧ કોરોના દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો ભોગ બનેલાઓનો કુલ મૃત્યુઆંક ૪૧૯૩ થયો છે. નાજુક સ્થિતિના કારણે હાલમાં કુલ ૬૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૨,૨૯,૯૧૩ કેસ નોંધાયા છે.
કોરોનાના કારણે રાજ્યમાં આજદીન સુધીમાં કુલ ૪,૧૯૩ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી અત્યાર સુધીમાં કુલ ૨,૧૨,૮૩૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં રાજ્યનો રિકવરી રેટ વધીને ૯૨.૫૭ ટકાએ પહોંચ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં કુલ ૧૨,૮૮૧ દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી ૧૨,૮૨૦ દર્દીની સ્થિતિ સુધાર પર હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

એક્ટિવ કેસ ૧૧.૬૩ ટકા ઘટયા

ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં અપાયેલી છૂટછાટ ભારે પડી ગઈ હતી, તહેવારો બાદ અચાનક સંક્રમણમાં વધારો થતાં રોજે રોજ નવા રેકોર્ડ સાથે દૈનિક કેસ સામે આવવા લાગ્યા હતા. જોકે છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસની સંખ્યામાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. માત્ર ૧૭ દિવસમાં રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં ૩૦.૩૦ ટકા જેટલો અને એક્ટિવ કેસની સંખ્યામાં ૧૧.૬૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સિવાય નાજુક સ્થિતિના કારણે વેન્ટિલેટર પર રખાતા દર્દીઓની સંખ્યામાં ૩૪.૩૭ ટકાનો ઘટાડો થયો છે. ૨૦મી નવેમ્બરથી ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો હતો. ૨૭મી નવેમ્બરે તો રાજ્યમાં રેકોર્ડ બ્રેક ૧,૬૦૭ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ દિવસે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૪,૭૩૨ હતી, જેમાંથી ૯૬ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા. આ દિવસની સરખામણીએ આજના દિવસે આ સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

૨૧.૮ ટકા એક ટંક ભૂખ્યા રહ્યા

કોરોનાની મહામારીના સમયમાં ગુજરાતમાં જુદા જુદા ભાગના નબળા અને પછાત સમુદાયના ગરીબ લોકોને બે ટંકનુ ભોજન મળી રહે છે કે નહીં તે સંદર્ભે નેશનલ રાઈટ ટુ ફૂડ કેમ્પેઈન હેઠળ ગુજરાત અન્ન સુરક્ષા અધિકાર અભિયાને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ‘હંગર વોચ’નો સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં અમદાવાદ, ભાવનગર, આણંદ, ભરુચ, દાહોદ મોરબી, નર્મદા, પંચમહાલ અને વડોદરા એમ નવ જિલ્લાઓના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સૌથી ગરીબી એવા ૪૦૩ ઘરને આવરી લેવાયા છે. આ સર્વમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં લોકડાઉન બાદ મહિનાઓ સુધી લોકોને તેમની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરવો પડયો છે. લોકોને બે ટંકનું ભોજન સુલભ્ય કરવુ મુશ્કેલ બન્યું છે. સર્વેક્ષણમાં જે તથ્યો ઉજાગર થયા છે તે મુજબ ૨૧.૮ ટકા લોકોને એક ટંક ભૂખ્યા રહેવું પડ્યું હતું.

લગ્નપ્રસંગ માટે ઓનલાઇન મંજૂરી

રાજ્યમાં હવે લગ્નપ્રસંગ યોજવા માટે હવે દરેકે ઓનલાઈન મંજૂરી લેવાની રહેશે. લગ્નપ્રસંગ યોજવા માટે અરજી કરવા ઇચ્છનારે www.digitalgujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહેશે. લગ્ન સમારોહ યોજવા માટેની મંજૂરી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાય તે માટે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરે એક સોફ્ટવેર તૈયાર કરાવ્યું છે. ગૃહ ખાતાના કાયદો અને વ્યવસ્થા વિભાગના અધિક સચિવન સહી સાથે જારી પરિપત્રમાં જણાવાયું છે કે કોરોના સંક્રમણની શક્યતાઓને ધ્યાનમાં લઈને આગામી મહિનાઓમાં યોજવામાં આવનારા લગ્નોના ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કર્યા પછી રજિસ્ટ્રેશન માટેની સ્લિપની પ્રિન્ટ પણ કાઢી શકાય છે. આ પ્રિન્ટને પીડીએફના ફોર્મેટમાં સાચવીને રાખી પણ શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter