રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા બે હજારને પારઃ અમદાવાદ હોટસ્પોટ

Tuesday 21st April 2020 13:55 EDT
 
 

ગાંધીનગર: ગુજરાતમાં ચાર જિલ્લા તથા એક મહાનગર કોરોના મુક્ત બન્યા હોવાનું આરોગ્ય સચિવ જયંતી રવિએ ૨૧મી એપ્રિલે જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે, ગાંધીનગર મહાનગરપાલિકાના તથા જામનગર, પોરબંદર, મોરબી અને સાબરકાંઠા સંપૂર્ણ જિલ્લા કોરોનામુક્ત થયાં છે. જોકે ગુજરાતમાં ૨૭ જિલ્લા કોરોનાગ્રસ્ત હોવાના અહેવાલ હતા. ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં અન્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારની સરખામણીએ બહોળો વધારો નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૨૦૬૬ થઇ હતી. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૭૭એ પહોંચ્યો છે. ૨૧મીથી છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ દર્દીઓ સુરતમાં નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં આ ગાળામાં ૫૦ કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોના મુક્ત થઈને હોસ્પિટલમાંથી રજા અપાઈ હોય તેવા દર્દીઓની સંખ્યા ૧૩૧ નોંધાઈ હતી.
૨૧મીના અહેવાલ પ્રમાણે રાજ્યમાં ૩૩૩૧૬ના કોરોના ટેસ્ટ કરાયા છે અને ૧૯૩૯ના રિપોર્ટ પોઝિટિવ અને ૩૧૩૭૭નાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા ૩ દિવસ દરમિયાન સરેરાશ પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૦થી ઉપર જ નોંધાયા પછી સોમવારે પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જયંતી રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધતા જતા કેસિસને જોતાં રવિવાર કરતાં રાજ્યમાં ટેસ્ટ વધ્યાં હતાં જોકે સોમવારથી સરરાશ કેસિસમાં ઘટાડો નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. જયંતી રવિએ એવું પણ જણાવ્યું હતું કે મૃતકોમાંથી ૬૦ દર્દીઓ કોરોના ઉપરાંત અન્ય બીમારીથી પણ પીડાતા હતા અથવા ખૂબ ઉંમરલાયક હતા જ્યારે સ્વસ્થ અને યુવાન હોય તેવા માત્ર સાત દર્દીઓ હતાં.
ખાનગી હોસ્પિટલ્સને પણ મંજૂરી
કોવિડ-૧૯ બીમારીથી સારવાર માટે સરકારે દરેક જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને સારવાર માટે માન્યતા આપી છે. આ ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીની તદ્દન ફ્રી સારવાર થશે. દર્દી પાસે મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ કે આયુષમાન ભારત એવા કોઇ કાર્ડ નહીં હોય તેમ છતાં પણ તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાશે. આ દર્દીઓની સારવાર પેટે થનારો ખર્ચ સરકાર ભોગવશે સરકાર દર્દી દીઠ ઓપીડી અને ઇન્ડોર કેટલા રૂપિયા ચૂકવશે તેના દર પણ આરોગ્ય વિભાગે જાહેર કર્યાં છે. સારવાર કર્યા બાદ હોસ્પિટલે બિલ મૂકીને સરકાર પાસેથી નાણા લેવાના રહેશે. નોંધનીય છે કે, કોરોનાને ફેલાતો રોકવા અને તેની ચેઈન તોડવા અને સલામતીના પગલાં સ્વરૂપે મહાનગરોમાં ૨૪મી એપ્રિલ સુધી કર્ફ્યૂ લંબાવાયો છે. જોકે રાજ્યમાં સુરત અમદાવાદ જેવા શહેરોમાં કોરોનાના વધતા કેસ જોતાં સોશિયલ ડિસ્ટન્સિંગ, જળવાય તે માટે કર્ફ્યૂ લાગુ કરાયો છે, પણ કેટલાક લોકોને કોઈ ગંભીરતા નથી. કર્ફ્યૂમાં મહિલાઓ માટે જ અમુક કલાકની છૂટછાટ છે છતાં પુરુષો પણ ખરીદી કરવા પહોંચી જાય છે. અહીં સુરતના રાણીતળાવની પારસી શેરીની છે જ્યાં ભરબપોરે મહિલાઓ સાથે પુરુષો પણ ભીડમાં દેખાઈ રહ્યાં છે.
મહાનગરોમાં કર્ફ્યૂ લંબાવાયો
રાજ્યમાં અમદાવાદના કોટ વિસ્તાર સહિત સુરત અને રાજકોટમાં કરફ્યુ લંબાવવામાં આવ્યો છે, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના મોટાભાગના કેસ આ ત્રણેય શહેરોમાં નોંધાયા છે. જેને પગલે આ ત્રણેય શહેરમાં ૨૪ એપ્રિલના સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે.
રાજ્યમાં કુલ ૨૭૮૦૦ જેટલાં એકમો-ઉદ્યોગો શરૂ
કોરોનાના સંકટમાં ઠપ્પ થયેલા ઉદ્યોગોમાંથી રાજ્યમાં ૬ હજાર ઉદ્યોગોને ૨૦મી પાછા શરૂ કરી દેવાની છૂટ અપાતાં ૨૦મી એપ્રિલથી ઉદ્યોગો પુન: શરૂ થયાં છે. મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૨૭૮૦૦ જેટલાં એકમો-ઉદ્યોગો શરૂ થઈ જતાં આશરે ૧ લાખ ૮૦ હજાર શ્રમિકો કામે લાગી ચૂક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સુજલામ સુફલામ યોજના પણ સત્વરે શરૂ કરવામાં આવશે જેથી પણ શ્રમિકોને રોજગારી મળવાની શરૂ થશે. અશ્વિનીકુમારે આ સાથે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ૭૦૦, રાજકોટ ૬૦૦, મોરબીમાં ૪૦૦, સુરત ૧૫૦, કચ્છમાં ૭૫૦ ઉદ્યોગો શરતોને આધિન શરૂ થયા છે. આ ઉપરાંત ૬૬ લાખ કાર્ડધારકોનાં ખાતામાં ૧૦૦૦ રૂપિયા પણ સરકાર દ્વારા જમા કરાવવાની શરૂઆત પણ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
રાજ્ય બહાર ફસાયેલા ગુજરાતીઓની યાદી
તાજેતરમાં અયોધ્યામાં ફસાયેલા ગુજરાતીઓને લાવવા ખાસ મંજૂરી અપાઇ હતી. આ રીતે દેશના પ્રવાસન અને ધાર્મિક સ્થળે કે અન્ય કારણે કેટલાક ગુજરાતીઓ ફસાયા છે અને તેમને ગુજરાત આવવાની મંજૂરી મળતી નથી. મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિની કુમારે આવા લોકો અંગે જણાવ્યું હતું કે, રાજ્યની બહાર ફસાયેલા લોકોની યાદી તૈયાર કરાશે અને કેન્દ્ર સરકારીની ગાઇડલાઇનનો ભંગ થાય નહીં તે રીતે એમના માટે પગલાં ભરાશે. આ ઉપરાંત ગુજરાતમાં રહેતા પરપ્રાંતીયો અને શેલ્ટર હોમમાં રહેતા લોકો માટે પણ રાજ્ય સરકાર પૂરતી વ્યવસ્થા - સુવિધા કરી રહી છે.
રાજ્યમાં સૌ પ્રથમ કોરોનાના દર્દીનું સિઝેરિયન
 રાજ્યમાં સૌપ્રથમ વાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. તેની સાથે સાથે દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર એસવીપીમાં શરૂ કરવામાં આવ્યું છે અને એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન પણ કરવામાં આવ્યું છે.
• કોરોનાને કાબૂમાં લેવા મુખ્ય પ્રધાને વધુ આઠ આઈએએસ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે. ૨૦મી માર્ચે અમદાવાદ-ગાંધીનગર માટે અધિક મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશ્નર ઓફ મ્યનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન એમ. એસ. પટેલ, વડોદરા માટે શિક્ષણ સચિવ વિનાોદ રાવ અને રાજકોટ માટે ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાને જવાબદારી સોંપી હતી. હવે વધુ વિનોદ રાવ સહિત કુલ ૮ અધિકારીઓની વિશેષ જવાબદારી સોપવાનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય લીધો હતો.
• રાજ્યમાં તબલીગી જમાતના વધુ ૩ જણાની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેયની મેડિકલ તપાસ સાથે સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ મેડિકલ તપાસ શરૂ કરાઈ છે. ઉત્તર પ્રદેશમાં ગયેલા ગોધરાના ત્રણ જમાતીઓ પાલનપુરથી ગોધરા આવીને કોઇ પણ જાતની મેડિકલ ચેક અપ નહીં કરાવીને ગોધરાની મસ્જિદ પાસે ફરતા હતા તેમને પોલીસે પકડ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે ઇરાદા પૂર્વકનું કૃત્ય આચરવા બદલ તેમની સામે ગુનો નોંધાયો છે.
• કર્ફ્યૂભંગ બદલ રાજ્યભરમાં ૩૬૪ની ધરપકડ પણ કરાઈ હોવાનું જણાવીને ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે રાજ્યમાં કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં લોકડાઉનની કડક અમલવારી થઈ રહી છે અને ડ્રોન અને સીસીટીવીથી સતત મોનિટરિંગ થાય છે.
• રાજકોટ માર્કેટ યાર્ડમાં મળેલ બેઠક પૂર્ણ થતાં ૨૨મી એપ્રિલથી યાર્ડમાં માત્ર ઘઉંની ખરીદી થશે.

શહેર પોઝિટિવ કેસ, મોત અને ડિસ્ચાર્જની માહિતી
• અમદાવાદ ૧૨૯૮ ૪૩ ૪૯
• વડોદરા ૧૮૮ ૦૭ ૦૮
• સુરત ૩૩૮ ૧૦ ૧૧
• રાજકોટ ૪૦ ૦૦ ૦૯
• ભાવનગર ૩૨ ૦૫ ૧૬
• આણંદ ૨૮ ૦૨ ૦૩
• ભરૂચ ૨૩ ૦૧ ૦૨
• ગાંધીનગર ૧૭ ૦૨ ૧૦
• પાટણ ૧૫ ૦૧ ૧૧
• નર્મદા ૧૨ ૦૦ ૦૦
• પંચમહાલ ૧૧ ૦૨ ૦૦
• બનાસકાંઠા ૧૦ ૦૦ ૦૧
• છોટાઉદેપુર ૦૭ ૦૦ ૦૧
• કચ્છ ૦૬ ૦૧ ૦૦
• મહેસાણા ૦૬ ૦૦ ૦૦
• બોટાદ ૦૫ ૦૧ ૦૦
• પોરબંદર ૦૩ ૦૦ ૦૩
• દાહોદ ૦૩ ૦૦ ૦૦
• ખેડા ૦૩ ૦૦ ૦૦
• ગીર-સોમનાથ ૦૩ ૦૦ ૦૧
• જામનગર ૦૧ ૦૧ ૦૦
• મોરબી ૦૧ ૦૦ ૦૦
• સાબરકાંઠા ૦૨ ૦૦ ૦૧
• મહીસાગર ૦૩ ૦૦ ૦૦
• અરવલ્લી ૦૮ ૦૧ ૦૦
• તાપી ૦૧ ૦૦ ૦૦
• વલસાડ ૦૨ ૦૦ ૦૦
કુલ ૨૦૬૬ ૭૭ ૧૩૧


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter