રાજ્યમાં કોરોના વેક્સિનઃ ૩ હજાર ફ્રન્ટલાઇન વર્કર્સમાંથી ૬૦ને સામાન્ય આડઅસર

Tuesday 02nd February 2021 13:15 EST
 
 

ગાંધીનગર: રાજ્યભરમાં મંગળવાર સુધીમાં રાજ્યભરના ૬૮૪ કેન્દ્રો પર ૪૦૫૫૦ લોકોને રસી અપાઈ હતી. રાજ્યમાં મંગળવાર સુધીમાં કુલ ૨૫૪૫૩૧ લોકોને રસી અપાઈ હોવાના અહેવાલ હતા. રવિવારે અંદાજે ત્રણ હજાર જેટલા ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોનાની રસી અપાઈ હતી. જેમાંથી ૬૦ (બે ટકા) લોકોને રસીની સામન્ય આડઅસર એટલે કે તાવ, માથું દુઃખવું અને ઠંડી લાગવા જેવા લક્ષણો દેખાયા હતા. આ પૈકીના એક શિક્ષિકને વધુ ગંભીર અસર થતાં તેમને બીએપીએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમને બ્લડ પ્રેશર લો થઇ જવાની ફરિયાદ હતી. સિવિલમાં પણ વહેલી સવારે રક્ષક દળના ૧૫થી વધુ જવાનોને તાવ આવતાં સારવાર માટે પહોંચ્યા હતા. જોકે, તેમને આઉટડોર સારવાર અપાઈ હતી. સોમવારે પણ ફ્રન્ટલાઇન તેમજ હેલ્થ વર્કર્સને રસી અપાઈ હતી. સોમવારે રાજ્યમાં કુલ ૮૦૭ કેન્દ્રો પર ૩૪૪૪૦ લોકોને વેક્સિન અપાઈ હતી.
સોમવારે ૭૫૧૫ને રસી
સોમવારે અમદાવાદ પાલિકા કમિશનર મુકેશકુમાર, ડેપ્યુટી કમિશનર મુકેશ ગઢવી સહિતના તમામ ડેપ્યુટી કમિશનરે એસવીપીમાં કોરોના રસી લીધી હતી. અત્યાર સુધી કુલ ૪૦ હજારથી વધુ લોકોને રસી મુકાવી છે. જેમને ૨૮ દિવસ પછી બીજો ડોઝ અપાશે.
૫૦થી વધુ વયના તમામનું ફેબ્રુઆરીના અંત સુધીમાં રસીકરણ
નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, હવે ગુજરાત સરકારે સંકલ્પ કર્યો છે કે આ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં રાજ્યના ૫૦ વર્ષથી વધુ વય ધરાવતાં તમામ નાગરિકોને રસી અપાઇ જશે. આ રવિવારથી જ અમે દૈનિક એક લાખ લોકોને રસી અપાય તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યાં છીએ.
નીતિન પટેલે જણાવ્યું કે, રવિવારથી ફ્રન્ટલાઇન વર્કર્સ કે જેમાં પોલીસ, મહેસૂલ અને પંચાયત વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે તેમનું રસીકરણ શરૂ થયું છે. રવિવારે જ સાડા ત્રણ લાખ જેટલાં કર્મચારીઓ પૈકી ૭૦૦૩૭ ફ્રન્ટલાઇન વર્કર્સનું આયોજન કરાયું હતું. રવિવાર સુધીમાં કુલ ૨.૪૬ લાખથી વધુ કોરોના વોરિયર્સનું રસીકરણ થયું હતું એટલે કે પચાસ ટકા કરતાં પણ વધુ કોરોના વોરિયર્સને રસી અપાઇ ચૂકી છે તે દર્શાવે છે. શનિવારે રાજ્યના ૫૭૯ કેન્દ્રો પર ૩૩૧૯૩ કોરોના વોરિયર્સને રસી અપાઈ હતી. રવિવારે પોલિયો નાબૂદી અભિયાન હેઠળ રાજ્યમાં રસીકરણને વિક્ષેપ ન પડે તે ધ્યાને લઈને એ દિવસે એક લાખ લોકોને કોરોનાની રસી મળે તેવું આયોજન કરાયું હતું.
રાજ્યમાં કોરોનામાંથી રિકવરી રેટ ૯૭.૧૦
રાજ્યમાં મંગળવારે કોરોના સંક્રમણના ૨૮૫ દર્દીઓ નોંધાયા અને રાજ્યભરમાંથી ૪૨૨ દર્દીઓ રિકવર થયાના અહેવાલ હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓનો રિકવરી રેટ ૯૭.૧૦ ટકા જેટલો નોંધાયો હતો. રાજ્યમાં મંગળવાર સુધીમાં ૨૫૪૫૩૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. અમદાવાદમાં મંગળવારે એક દર્દીનું મૃત્યુ થતાં રાજ્યભરમાં કોરોનાથી કુલ મૃતકાંક ૪૩૮૯ થયો હતો. આ સાથે ગુજરાતમાં કોરોના સંક્રમણના કુલ કેસનો આંક ૧૬૨૦૮૫ પહોંચી ગયો હતો. સારા સમાચાર એ છે કે ગુજરાતમાં કોરોનાના કેસનો રોજિંદો આંક મંગળવારે સતત ત્રીજા દિવસે પણ ૩૦૦થી નીચે આવ્યો હતો. ૯ મહિના બાદ પ્રથમ વખત કોરોના સંક્રમણના રોજિંદા આંક ૩૦૦થી ઓછા નોંધાયા છે. આ અગાઉ ૨૯ એપ્રિલે ૩૦૮ કેસ નોંધાયા હતા. રવિવારે અને સોમવારે જોકે કોરોનાથી અમદાવાદમાં રોજિંદો મૃત્યુઆંક શૂન્ય હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter