ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના મહામારીનું સંકટ હજી યથાવત સ્થિતિએ છે. છઠ્ઠી ઓક્ટોબરના છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૩૫ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સાથે ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસની સંખ્યા વધીને ૧૪૫૩૬૨ પહોંચી છે જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૩૫૨૨ થયો છે. છઠ્ઠીના અહેવાલો પ્રમાણે જ રાજ્યમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો કુલ આંક ૧૨૫૨૪૩ નોંધાયો હતો. આ સાથે દર્દીઓનો સાજા થવાનો દર ૮૬.૧૬ ટકા નોંધાયો હતો. રાજ્યમાં કોરોનાનું સંકટ છે ત્યારે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવારમાં મૃત્યુ પામનારા તબીબોના પરિવારને આર્થિક સહાયની માગ ઊઠી છે.
કોરોનાથી ૪૦ ખાનગી તબીબનાં મોતઃ કોઇ સરકારી સહાય નહીં
ગુજરાતમાં બીજી ઓક્ટોબર સુધીમાં ખાનગી પ્રેક્ટિસ કરતાં ૪૦ જેટલાં ડોક્ટરોનાં કોરોનાથી મોત થયાં હોવાના અહેવાલ છે, પરંતુ જે ખાનગી તબીબો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને વીમા વળતર સહાય પેટે રૂ. ૫૦ લાખની સહાય આપવાની માગણી હજુ સુધી સરકારે સ્વીકારી નથી. જેના કારણે તબીબી જગતમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ગુજરાતના વિવિધ એસોસિએશન સાથે સંકળાયેલા મેડિકલ એક્સપર્ટ્સ કહે છે કે, સરકારે કોરોનાના શહીદી વહોરનારા ખાનગી ડોક્ટરોના પરિવારની મદદ માટે આગળ આવવું જોઈએ, જે રીતે સરકારી હોસ્પિટલોમાં કોરોનાગ્રસ્ત કર્મીનું મોત થાય તો તે કર્મી દીઠ રૂ. ૫૦ લાખની સહાય-વળતર અપાય છે તેમ ખાનગી તબીબો માટે પણ વિચારવું જોઈએ.
ઓવરટાઇમ ચૂકવવામાંથી મુક્તિના નિર્ણયને ફગાવાયો
ગુજરાતની તમામ ફેક્ટરીઓને કોરોના સમયમાં કામદારોના કામનો સમય ૧૨ કલાક ગણવો, કામદારોને ઓવરટાઈમની ચૂકવણી અડધી કરવાના અને ફેક્ટરી એક્ટની કલમ ૫૧, ૫૪, ૫૫, ૫૬ની જોગવાઈઓના અમલમાંથી મુક્તિ આપતા રાજ્ય સરકારના પરિપત્રને સુપ્રીમ કોર્ટે પહેલી ઓક્ટોબરે ફગાવ્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે કે, એપ્રિલથી લઈને ૧૯ જુલાઈ સુધીનો ઓવર ટાઈમનો પગાર નિયમ મુજબ કામદારોને ચૂકવાય. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારના પરિપત્રથી મહામારીના નામે કામદારોને મળતા કાયદાકીય હકોને રદ ન કરી શકાય અને ફેક્ટરીઓને રાહત આપી ન શકાય. કોરોનાની મહામારી દેશની સુરક્ષા માટે ભય સમાન આંતરિક કટોકટી નથી. કામદારોના હકોને તેના માલિક કે રાજ્ય સરકારની દયા પર છોડી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, તે જાણે છે કે લોકડાઉનના લીધે દેશના અર્થતંત્રમાં મંદીની અસર છે. જેના લીધે, ફેક્ટરીઓને નાણાકીય તકલીફનો સામનો કરવો પડે છે. જોકે, અર્થતંત્રની મંદીનું ભારણ એકલા કામદારો પર જ નાંખી શકાય નહીં. આ કામદારો અર્થતંત્રની પ્રવૃત્તિના કરોડરજ્જુ સમાન છે. કામદારોના જીવનનો હક એ કોઈ શરતી બાબત નથી. કોવિડ-૧૯ના લીધે કામદારોનો ઓવરટાઈમના પગાર પરનો દાવો અને કામના સ્થળ પર તેમને મળવાપાત્ર યોગ્ય વાતાવરણ આપવાને નકારી શકાય નહીં.
કોંગ્રેસી સાંસદ એહમદ પટેલ કોરોના પોઝિટિવ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ એહમદ પટેલનો કોરોના રિપોર્ટ પહેલી ઓક્ટોબરે સાંજે પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા ટ્વિટર પર અનુરોધ કર્યો હતો. તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. આ જ દિવસે બપોરે એહમદ પટેલે ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને ફોન કરીને તેમના ખબર પૂછ્યાં હતાં. સોલંકી અંગે તેમણે જણાવ્યું હતું કે, ભરતસિંહનું મનોબળ મજબૂત છે. તેઓ જલ્દી દેશની સેવામાં લાગી જશે.
૧૦૧ દિવસ હોસ્પિટલમાંઃ ૫૧ દિવસ વેન્ટિલેટર પર રહી કોરોનાને હરાવનારા ભરતસિંહ સોલંકી પ્રથમ એશિયન
અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી ૧૦૧ દિવસ કોરોના સામે ઝઝૂમ્યા બાદ સંપૂર્ણ સાજા થયાના અહેવાલ ૩૦મી સપ્ટેમ્બરે હતા. ૫૧ દિવસ વેન્ટિલેટર અને બાયપેપ મશીનના સહારે રહેનારા ભરતસિંહ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાંથી સાજા થઈને ડિસ્ચાર્જ થયા. સૌથી વધુ દિવસ કોરોનાની સારવાર ચાલ્યા બાદ સ્વસ્થ થનારા ભરતસિંહ સમગ્ર એશિયામાં પ્રથમ હોવાનો હોસ્પિટલે દાવો કર્યો છે. ભરતસિંહને હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેમનાં ફેફસાં પથ્થર જેવાં કઠણ થઈ ગયાં હતાં. તેમને વેન્ટિલેટર પર મૂકવા છતાં તેમનું ઓક્સિજન લેવલ વધતું નહોતું. તેમને ૧૦૦ ટકા ઓક્સિજન આપવા છતાં માત્ર ૮૫ ટકા ઓક્સિજન જ પહોંચતો હતો.
અન્ય અંગોને પણ જોખમ
ભરતસિંહનાં ફેફસાં કઠણ થયાં હોવાથી વેન્ટિલેટર પર ૧૦૦ ટકા ઓક્સિજન આપવા છતાં ઓક્સિજન ટકાવી રાખતા ન હતા. જોકે શરીરમાં ઓક્સિજન લેવલ ઓછું રહે તો બેથી ચાર દિવસમાં હૃદય બંધ પડી જવા સાથે અન્ય અંગો પર અસર થવા લાગે તેમ હતું. આથી ફેફસાંમાં પૂરતો ઓક્સિજન પહોંચે તે માટે ‘લંગ પ્રોનિંગ રિક્રૂટમેન્ટ થેરાપી’ આપવી પડે તેમ હતી, પણ તેમનું વજન વધુ હોવાથી તેમને આ થેરાપી આપવામાં મુશ્કેલી પડી હતી. અલબત્ત, તેમની સ્થિતિમાં સુધારો થયો હતો અને પછીથી તેમનાં વજનમાં પણ ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો થયો હતો. તેમની સેવામાં હોસ્પિટલના ડો. અમિત પટેલ, ડો. ભાગ્યેશ શાહ, ડો. વિપુલ ઠક્કર, ડો. સુરભી મદાન, ૨ ફિઝિયોથેરાપિસ્ટ, નર્સ અને એટેન્ડેન્ટ સહિત સ્ટાફ સાથે કુલ ૧૨ લોકોની ટીમ રાઉન્ડ ધ કલોક ખડેપગે રહી હતી.
સિમ્સ હોસ્પિટલનાં પ્લમોનોલોજિસ્ટ ડો. અમિત પટેલે કહ્યું કે, ભરતસિંહ સોલંકીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમણે ૧૦ દિવસ વડોદરાની હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યાર પછી ૨૦મી જૂને તેમને સિમ્સ હોસ્પિટલમાં લવાયા હતા. ભરતસિંહની હાલત એટલી ગંભીર હતી કે તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર મુકાયા હતા. વેન્ટિલેટર પર રાખ્યાના ૧૫થી ૨૦ દિવસ બાદ ઓક્સિજનની જરૂરિયાત ઘટવા લાગી હતી. જોકે તે પછી તેમને ફેફસાં અને લોહીમાં અલગ અલગ બેક્ટેરિયલ અને ફંગસ ઇન્ફેક્શન થવા લાગ્યું હતું. જેથી મલ્ટિપલ એન્ટિબોયોટિક્સ આપીને તેમને ફેફ્સાં અને લોહીનાં ઇન્ફેક્શનથી મુક્ત કરાયા હતા. એ પછી તેમનાં સ્નાયુ નબળા થઇ જતાં પાંચ પ્લાઝમા ફેરાસિસ કરાયા બાદ તેમની સ્થિતિમાં સુધારો આવ્યો હતો. કુલ ૫૧ દિવસ તેઓ આઇસીયુ વિભાગમાં વેન્ટિલેટર પર રહ્યા હતા. તેઓ ચાલતા થયા અને પગથિયા ચઢી શકે તેટલાં સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
હું શરૂઆતથી બેફિકરાઈથી વર્ત્યો પણ...
ભરતસિંહે સાજા થયા પછી જણાવ્યું કે, કોરોના અંગે હું શરૂઆતથી જ ખૂબ બેફિકારાઈથી વર્તતો હતો. મને હતું કે મને ક્યારેય કંઇ થશે જ નહીં. સિટીસ્કેન કરાવ્યું ત્યારે ડોક્ટરે કહ્યું કે, ચિંતા નથી, પરંતુ એક દિવસ અચાનક તબિયત લથડી. શરૂઆતમાં એવું લાગ્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં સતત પ્રવાસને કારણે આમ થયું હશે. એ પછીથી વડોદરાની હોસ્પિટલમાં દાખલ થયો પછી કોરોના
રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ૧૦૧ દિવસના સંઘર્ષ અને ૫૧ દિવસ વેન્ટિલેટર પર રહ્યા પછી હું કહેવા માગું છું કે કોરોનાની એક જ દવા છે અને તે છે કે માસ્ક પહેરવું. મારી અપીલ છે કે આ વાઇરસને હળવાશથી લેશો નહીં.


