રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૧.૫ લાખને પાર

Tuesday 13th October 2020 17:15 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના કેસની કુલ સંખ્યા ૧.૫ લાખને પાર થઈને ૧૫૩૯૨૩ સુધી પહોંચી ગઈ છે. જોકે રાજ્યમાં ગત થોડા દિવસો પહેલાં કોરોના કેસનો રોજિંદો આંક ૧૪૦૦ને પાર થયો હતો તેમાં ઘટાડો થઈને ૧૩મી ઓક્ટોબરના છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૮ થયો હતો. જોકે ૧૩મી ઓક્ટોબરના ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાથી ૧૦ દર્દીઓનાં મોત સહિત કુલ મૃત્યુઆંક ૩૫૮૭ થયો હતો જ્યારે આ જ દિવસ દરમિયાન ૧૩૭૫ લોકોએ કોરોનાને હરાવતાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૩૫૧૨૭ નાગરિકો કોરોનામાંથી રિકવર થયાં છે. ગુજરાત માટે સારા ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર ૮૭.૭૯ ટકા છે. ૧૩મીએ રાજ્યમાં ૫૦૯૯૩ કોરોના ટેસ્ટ કરાયા સહિત રાજ્યમાં કુલ ૫૧૧૪૬૭૭ ટેસ્ટ કરાયા હોવાના અહેવાલ હતા.
હાઈએસ્ટ ટેસ્ટઃ દેશમાં સાતમું રાજ્ય
ગુજરાતમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક રવિવારે ૫૦ લાખને પાર થઈ ગયો હતો. ૫૦ લાખથી વધુ કોરોના ટેસ્ટ થયાં હોય તેવું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું હતું. સમગ્ર દેશમાંથી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧.૧૮ કરોડ ટેસ્ટ કરાયા હોવાના અહેવાલ રવિવારે હતા. ગુજરાતમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૩ ટકા નોંધાયો છે. મતલબ કે, પ્રત્યેક ૧૦૦ ટેસ્ટમાં ૩ વ્યક્તિ પોઝિટિવ આવે છે. સૌથી ઓછો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ધરાવતા રાજ્યોમાં ગુજરાત દેશમાં સાતમું છે. ગુજરાતમાંથી સૌથી વધુ ૧૩.૮૩ લાખ ટેસ્ટ અમદાવાદ જિલ્લામાં અને સૌથી ઓછા ૧૫૦૪૯ ટેસ્ટ ડાંગમાં કરાયા છે. ગુજરાતના ૯ જિલ્લામાંથી કોરોનાના ૧ લાખથી વધુ ટેસ્ટ થયાં છે.
ગુજરાતમાં થયેલા કુલ ૫૦ લાખ ટેસ્ટમાંથી અડધોઅડધ ટેસ્ટ અમદાવાદ-સુરત-વડોદરા-ગાંધીનગર એમ ચાર જિલ્લામાં કરાયા છે. ગુજરાતમાં ૧૧મી ઓક્ટોબરથી બરાબર એક મહિના એટલે કે ૧૧ સપ્ટેમ્બર સુધી ૩૧૪૫૨૦૨ ટેસ્ટ કરાયા હતા. આમ, છેલ્લા એક મહિનામાં જ કુલ ૧૮.૬૭ લાખ ટેસ્ટ કરાયા હોવાના અહેવાલ ૧૧મીએ હતા. ગુજરાતના જે જિલ્લામાં સૌથી ઓછા ટેસ્ટ થયાં છે તેમાં ડાંગ ઉપરાંત ૩૩ હજાર સાથે નર્મદા, ૩૮ હજાર સાથે બોટાદ, ૪૩ હજાર સાથે પોરબંદરનો સમાવેશ થાય છે.
સરકાર, સાચા આંકડા તો જણાવો
રવિવારની યાદીમાં સરકારે ગુજરાતમાં વેન્ટિલેટર પર ૮૬ દર્દી દર્શાવ્યા હતા, પરંતુ રાજ્યના સરકારી અને ખાનગી હોસ્પિટલમાંથી જે આંકડા મળ્યાં તે મુજબ ૫૯૬ દર્દી વેન્ટિલેટર પર હતા. આ દર્દીઓમાં બાયપેપ પરના દર્દીનો સમાવેશ થતો નહોતો. જે બાયપેપના દર્દીઓને પણ સામેલ કરાય તો આંકડા ૮૦૦ સુધી પહોંચે. તેથી આખરે શા માટે ગુજરાત સરકાર કોરોનાથી જોડાયેલા સાચા આંકડા નથી જણાવતી? તેવા સવાલ ઊભા થયા સાથે એવી પણ ચર્ચા ચાલે છે કે સરકાર કોરોના કેસ અને મોતના આંકડા અંગે પણ હકીકત છુપાવી રહી છે?
સરકારે રવિવારે કરેલા દાવા મુજબ, રાજયમાં ૧૫૭૧૭ એક્ટિવ કેસ હતા અને માત્ર ૮૬ દર્દીઓ વેન્ટિલેટર પર હતા, પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, પોરબંદર, ગીર - સોમનાથ અને અમરેલીના સ્થાનિક હેલ્થ વિભાગ પાસેથી મળેલા આંકડાઓ મુજબ આ શહેરોમાં જ કુલ ૫૯૬ દર્દીઓ વેન્ટિલેટર પર હતા. આ આંકડામાં બાયપેપના દર્દીઓ ગણાયા નહોતા. અમદાવાદ સહિત ચારેય મહાનગરોમાં બાયપેપ પર ૨૦૪ દર્દીઓ સારવાર હેઠળ હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ જે. વી. મોદીએ રવિવારે કહ્યું કે, બાયપેપ પણ વેન્ટિલેટર જ છે. માત્ર
તફાવત એટલો છે કે બાયપેપમાં મોંઢા પર જ માસ્ક લગાવવામાં આવે છે જયારે વેન્ટિલેટર પર હોય તો શ્વાસનળીમાં પાઈપ મૂકવામાં આવે છે.

લોકોને લાખોમાં નવડાવનાર ડોક્ટરનું લાઇસન્સ રદ

અમદાવાદમાં નવરંગપુરાની પુષ્ય હોસ્પિટલમાં જગદીપ શાહ નામના કોરોનાના દર્દીને સારવાર માટે દાખલ કરાયા હતા. આ દર્દીને ડો. વિપુલ પટેલે દાખલ કરાવ્યા હતા અને હોસ્પિટલમાં એવી ઓળખાણ આપી હતી કે, આ મારા સગા છે અને તેમનું બિલ હું આપીશ. એ પછી ફ્રોડ કરનાર ડોક્ટરે બ્રિટનનિવાસી દર્દીનાં પુત્ર કૌશલ શાહ પાસેથી સારવારના નામે રૂ. ૧૯.૫ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ પેટે રૂ. સાડા ચાર લાખ જેટલી રકમ ચૂકવી હતી. દર્દીના પુત્રએ તેને ચૂકવેલ પૈસાની હોસ્પિટલ પાસે રિસિપ્ટ માગી હતી. દરમિયાન હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવેલી ફી અને ચૂકવેલ ફી વચ્ચે મોટો તફાવત આવ્યો હતો. આથી હોસ્પિટલે દર્દીના પુત્રને કહ્યું કે, તમે રૂ. ૧૯.૫ લાખ કોને ચૂકવ્યા? ત્યારે કૌશલ શાહે કહ્યું કે, ડો. વિપુલ પટેલને વિવિધ રીતે સારવારના પૈસા ચૂકવ્યા છે. આ સમગ્ર પ્રકરણ અંગે હોસ્પિટલે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ ર્નિંસગ હોમ એસોસિએશનને ફરિયાદ કરી હતી. ઘટના અંગે એએચએનએ દ્વારા પોલીસ કમિશનર અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરાતાં ડોક્ટર વિપુલ પટેલનું લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter