રાજ્યમાં કોરોનામાંથી દર્દીઓનો સાજા થવાનો દર વધીને ૯૫.૩૪

Tuesday 12th January 2021 11:22 EST
 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસ્યા પછી હવે કોરોના સંક્રમણના દૈનિક કેસમાં સતત ઘટાડો જોવા મળે છે તે રાહતના સમાચાર છે. મંગળવારના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૬૦૨ પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૨.૫ લાખને પાર થઈ ગઈ હતી જ્યારે રાજ્યમાં વધુ ૩ દર્દીઓનાં મૃત્યુ થતાં કુલ મૃતકાંક ૪૩૫૦ નોંધાયો હતો. મંગળવારના અહેવાલો અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૫ લોકોએ કોરોનાને હરાવતાં રાજ્યમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા ૨૪૧૩૭૨ થઈ હતી. ગુજરાતમાં કોરોનામાંથી દર્દીઓનો સાજા થવાનો દર પણ ધીરે ધીરે વધતાં મંગળવારે ૯૫.૩૪ નોંધાયો હતો.
ગુજરાતમાં કોરોનાના ૧ કરોડથી વધુ ટેસ્ટઃ દેશનું સાતમું રાજ્ય
એક તરફ રાજ્યમાં કોરોના કન્ટ્રોલમાં આવતો હોવાનું જણાયું હતું અને ગુજરાતમાં સોમવારે ૧૯૮ દિવસ બાદ સૌથી ઓછા ૬૧૫ કેસ નોંધાયા હતા તો ગુજરાતમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૭મી જાન્યુઆરીએ ૧ કરોડને પાર થયો હતો. કોરોનાના ૧ કરોડથી વધુ ટેસ્ટ કર્યાં હોય તેવું ગુજરાત સાતમું રાજ્ય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ એવા રાજ્યો છે જ્યાં કોરોનાના ૧ કરોડથી વધુ ટેસ્ટ થઇ ચૂક્યાં છે. જેમાં ઉત્તર પ્રદેશે સૌથી વધુ ૨.૪૭ કરોડ ટેસ્ટ કર્યાં છે. ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ ૧.૫૦ લાખ લોકોના કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે.
અમદાવાદ-સુરતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ સૌથી વધુ ૩.૩૦ લાખના કોરોના ટેસ્ટ થયા છે. ગુજરાતમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ૨.૫૦ ટકા નોંધાયો છે એટલે કે પ્રત્યેક ૧૦૦ ટેસ્ટમાં સરેરાશ ૨થી વધુ વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે છે. દેશમાં સૌથી વધુ ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ધરાવતા રાજ્યોમાં ગુજરાત ૩૦માં સ્થાને છે. મહારાષ્ટ્ર સૌથી વધુ ૧૪.૮૦ ટકાનો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ધરાવે છે. ગુજરાતમાંથી સૌથી વધુ ૨૪.૧૧ લાખ ટેસ્ટ અમદાવાદ જિલ્લામાંથી જ્યારે સૌથી ઓછા ૨૮ હજાર ટેસ્ટ ડાંગમાં થયેલા છે. સૌથી વધુ ટેસ્ટમાં સુરત બીજા અને રાજકોટ ત્રીજા સ્થાને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter