જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, ભૂજઃ શ્રાવણ માસ પૂર્ણ થવાના આરે છે ત્યારે કહેવત મુજબ સરવડાંરૂપે પડતાં વરસાદે સમગ્ર રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટાંરૂપી મહેર કરી છે. સોમવારે સમગ્ર રાજ્યમાં ૧થી ૭ ઈંચ જેટલો અલગ-અલગ વિસ્તારમાં નોંધાયો હતો. જામનગરના ધ્રોલમાં સૌથી વધુ ૬ ઈંચ વરસાદ પડ્યો હતો. બાવળાના શીયાળ ગામની સીમમાં કામ કરી રહેલા પતિ-પત્ની ઉપર વીજળી પડતા તેમનું ઘટનાસ્થળે જ મોત થવા પામ્યું છે. જ્યારે બાજુના ગામ ડુમાલીની સીમમાં ઝાડ નીચે ઉભેલા પતિ-પત્ની ઉપર વીજળી પડતા પતિનું મોત થયું હતું.
વરસાદથી કોરાધાકોર રહેલા કચ્છ પંથકમાં સોમવારે મેઘરાજાએ મહેર કરતા હોય તેમ ભચાઉ પંથકમાં ૧થી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાપરના તાલુકાના ગાગોદરમાં બપોરે માત્ર બે કલાકમાં ધૂંઆધાર ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ધોધમાર તો મોરબીમાં ધીમીધારે વરસાદ થયો હતો. ઉપલેટાના મોટી પાનેલીના ઉપરવાસના ગામો પડવલા તેમજ માંડાસણમાં બે દિવસમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો. જેથી મોટી પાનેલી ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ફૂલઝર નદી પણ બે કાંઠે વહેતી થઇ છે.
જામનગરમાં પણ દિવસ દરમિયાન ઝાપટાં ચાલુ રહ્યાં હતા. તળાજા પંથકમાં સતત બીજા દિવસે મેઘો મહેરબાન થતાં બે ઇંચ વરસાદ પડતાં નદી નાળા છલકાઇ ગયા હતા. ઉમરાળા અને ભાવનગરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જેસર અને વલ્લભીપુરમાં ઝાપટા નોંધાયા હતા. પોરબંદરના બરડા પંથકના ગામોમાં સોમવારે બે ઈંચ જેટલા ધોધમાર વરસાદથી ખેતરોમાં જાણે કે કાચુ સોનું વરસ્યું હતું.


