અમદાવાદઃ રાજ્યમાં ગરમીથી નગરજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે. રવિવારે ફરી અમદાવાદ શહેરમાં મહત્તમ તપામાનનો પારો ઊંચકાતા ૪૪.૮ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. રેડ એલર્ટની નજીક પહોચેલી કાળઝાળ ગરમીમાં શહેરીજનો તોબા પોકારી ઊઠ્યા હતા. બપોરે અને મોડી સાંજ સુધી અમદાવાદ શહેરના રસ્તાઓ સૂમસામ બન્યાં હતા. આકાશમાંથી અગનવર્ષા અને ગરમ લૂ ફૂંકાતા લોકોની ચામડી દાઝવા લાગી હતી.
વધુમાં અમદાવાદ શહેરમાં મે મહિનામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ગરમી વર્ષ ૨૦૧૬-૧૭ ૪૮ ડિગ્રીએ પારો પહોચ્યો હતો. જે છેલ્લા ઘણા વર્ષોમાં મે મહિનાનો સૌથી ગરમ દિવસ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. ગત વર્ષે પણ ૧૪ અને ૨૦મેના રોજ મહત્તમ તાપમાનનો પારો ૪૩. ૬ ડિગ્રીએ પહોંચ્યો હતો. જે રવિવારના રોજ ગરમીનો પારો ૪૪.૮ ડિગ્રીએ એટલે કે રેડ એલર્ટની નજીક પહોંચતા શહેરીજનો તોબા પોકાઈ ઊઠ્યા હતા. રાજ્યમાં રવિવારથી ચાર દિવસ માટે હીટવેવ એલર્ટ જાહેર કરાયો હતો.


