ગાંધીનગરઃ કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે છે. મંગળવારના અહેવાલો પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૬૨૦૯૭ કોરોના ટેસ્ટ થયાં હતા જેમાં ૧૪૦૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસની સંખ્યા વધીને મંગળવારે ૧૨૬૧૬૯ જ્યારે કુલ મૃતકાંક ૩૩૫૫ થયો હતો. ૧૩૨૧ લોકોએ મંગળવારના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને હરાવ્યો હતો. ગુજરાત માટે સૌથી સારા ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર ૮૪.૩૪ ટકા છે.
મંગળવારની છેલ્લી સ્થિતિ મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૬૪૧૨ નાગરિકો સાજા થયાં છે. ૧૬૪૦૨ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૨ વેન્ટિલેટર ઉપર છે અને ૧૬૩૧૦ સ્ટેબલ છે.
અમદાવાદ-સુરતમાંથી સરકાર પાઠ ન ભણી
સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણના લીધે સ્થિતિ વકરી છે. આ મુદ્દે, હાઈ કોર્ટે ૧૬મી સપ્ટેમ્બરે રાજ્ય સરકાર, રાજકોટ મહાપાલિકાને આદેશ કર્યો કે, સ્થિતિ અંકુશ બહાર જાય તે પહેલાં યોગ્ય પગલા લો. કોરોના પર અંકુશ મેળવવા માટે અમદાવાદમાં જે મોડેલ અપનાવવામાં આવ્યું હતું, તે જ રીતે રાજ્યના વડોદરા, રાજકોટ સહિત તમામ શહેરોમાં કામ કરો. કોરોનાના સંક્રમણને રોકવા રાજ્યના તમામ જિલ્લાઓમાં હાઈએલર્ટ આપો. કોરોનાના સંક્રમણ અંગે સિવિલ હોસ્પિટલની સ્થિતિ જાણવા સરકારે ઉચ્ચ અધિકારીઓની કમિટી બનાવી છે. હાઈ કોર્ટે આ ઉચ્ચ અધિકારીને નિર્દેશ આપ્યો કે, રાજકોટની સ્થિતિ અંગે સર્વે કરો અને સ્થિતિ પર અંકુશ મેળવવા માટે સાચી દિશામાં કંઈ રીતે કામ કરવું? તે અંગે સ્થાનિક તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપો. કોઈ પણ શહેરમાં કોરોનાના લીધે સ્થિતિ વણસે પછી તેને અંકુશમાં લેવા માટે તંત્ર દ્વારા પગલાં લેવાય છે. આ સ્થિતિના લીધે, સરકાર ઊંઘતી ઝડપાય છે. અમદાવાદ-સુરતમાંથી સરકાર પાઠ ન ભણી?
હાથ જોડી વિનંતી, સરકારનું માનોઃ કોર્ટ
હાઈ કોર્ટે નોંધ્યુ કે, સરકાર અસરકારક પગલાં ભરે છે, પરંતુ લોકો સહકાર આપતા નથી. હાઈ કોર્ટે લોકોને કહ્યું કે, બે હાથ જોડીને વિનંતી છે કે કોરોનાને નાથવા માટે સરકારે જે નીતિ-નિયમો ઘડયા છે તેનું પાલન કરો, તંત્રને સાથ આપો અને તમારું ધ્યાન રાખો. હાઈ કોર્ટે આશા વ્યક્ત કરી કે, જો લોકો વ્યક્તિગત તેમનું ધ્યાન રાખશે તો ટૂંક સમયમાં સ્થિતિ સુધરશે.
નેતાઓ નિયમોનું પાલન કરે
છેલ્લા કેટલાક સમયથી ઠેર ઠેર રેલી-મેળાવડા યોજનારા દરેક રાજકીય નેતાઓને હાઈ કોર્ટે કડક શબ્દમાં કહ્યું કે, રાજકીય નેતાઓનું આ પ્રકારનું વલણ, સામાન્ય જનતામાં ખોટા ઉદાહરણો બેસાડે છે. જો નેતાઓ જ નિયમોનું પાલન નહીં કરે તો સામાન્ય જનતા ક્યાંથી કરશે?
કોરોનાના સાચા આંકડા જાહેર કરો
કોર્ટે કહ્યું કે, કોરોનાના કેસ, મૃત્યુ અંગેના સાચા આંકડા પારદર્શી રીતે જાહેર કરો. જેથી, લોકોને વાસ્તવિકતાની માહિતી મળે અને સ્થિતિની ગંભીરતાને સમજે. જો, લોકોને સાચી માહિતી નહીં મળે તો, તેઓ બેદરકાર બનશે.
આરટી-પીસીઆર ટેસ્ટના દરમાં ઘટાડો
કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ચાર્જ રૂ. ૨૫૦૦થી ઘટાડીને રૂ. ૧૫૦૦ કરવાનો નિર્ણય ૧૬મીએ લેવાયો છે. ટેસ્ટ કીટની કિંમતમાં ઘટાડો થતાં સરકાર દ્વારા તેના ચાર્જમાં ઘટાડો કરાયો છે. નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આ નિર્ણય જાહેર કર્યો હતો.
ડોક્ટરો સામે સરકારી અધિકારીઓની દાદાગીરી
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાંચે ૧૬મી સપ્ટેમ્બરે મુખ્ય પ્રધાન રૂપાણીને જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ખડેપગે તૈનાત ડોક્ટરો સામે સરકારી અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. ભૂજ, ગોંડલ, ગાંધીધામ, ગીર-સોમનાથ, જામનગર, બોટાદ, ગોધરા તથા અન્ય જિલ્લાના કલેક્ટરો દ્વારા ડોક્ટરો પર જોહુકમીની ફરિયાદો મળતાં સરકારને આ સંદર્ભેની લેખિત અરજી કરાઈ છે.
‘નવરાત્રિનું આયોજન ન થવું જોઈએ’ પાટિલ
મોટાભાગના મેડિકલ એક્સ્પર્ટ, ડોક્ટર્સનો પણ આ જ મત છે કે કોરોના વચ્ચે નવરાત્રિનું આયોજન થવું જોઈએ નહીં. હું અંગતપણે પણ માનું છું કે નવરાત્રિના જાહેર આયોજનોને મંજૂરી મળવી જોઈએ નહી. સોમવારે એક સોશિયલ મીડિયા સંવાદમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે એક સવાલના જવાબમાં આ જણાવ્યું હતું.
પ્રધાનોની ઓફિસમાં ૧૪ કેસ
વિધાનસભાના ૭માં સત્રમાં શનિવારે સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨માં મોટાપાયે કોરોના ટેસ્ટ થતાં વિજય રૂપાણીના કાર્યલાયમાં ૪, પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાની ઓફિસમાંથી ૩, સહકાર પ્રધાન ઈશ્વર પટેલને ત્યાંથી ૧ અને વિધાનસભામાં પાંચ સહિત સીએમઓ અને પ્રધાનોનાં કાર્યાલયમાં કુલ ૧૪ જેટલા કોરોના કેસ ઝડપાયા હતા. મોટાપાયે એન્ટિજન ટેસ્ટમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
ભાજપ અને કોંગ્રેસના છ ધારાસભ્યો પોઝિટિવ
પાંચ દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્યો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયો છે. તેમાં ભાજપ અને કોંગ્રેસના છ ધારાસભ્યો કોરોના સંક્રમિત જણાયા છે. ભાજપના આણંદના ધારાસભ્ય કનુ પટેલ, પારડીના ધારાસભ્ય કનુ દેસાઈ, કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, વ્યારાના ધારાસભ્ય પુંજાભાઇ ગામી, બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ અને ધારાસભ્ય વીરજી ઠુમ્મર કોરોના સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું હતું આ બધા ધારાસભ્યોને કવોરેન્ટાઇન થવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમની હાલત ગંભીર બનતાં તેમને કૃત્રિમ ફેફસાં અને વેન્ટિલેટર પર રખાયાં છે.
મોદીએ ફોન કરીને કેશુબાપાનાં ખબર પૂછ્યાં
ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮મીએ બપોરે ૧ વાગ્યાના સુમારે તેમની સાથે ટેલિફોનથી વાતચીત કરી હતી અને તબિયતને લઈને પૃચ્છા કરી હતી. આ બંને નેતાઓ વચ્ચે ૧૦ મિનિટ સુધી વાતચીત ચાલી હોવાના અહેવાલ હતા. મુખ્ય પ્રધાન રૂપાણીએ પણ કેશુભાઈને ફોનથી ખબર પૂછ્યાં હતાં. ગાંધીનગર પાલિકાએ સત્તાવાર રીતે કેશુબાપા સંક્રમિત થયા હોવાનું જાહેર કર્યું હતું. રાજ્ય સરકારે કેશુભાઈના નિવાસસ્થાને ખાસ તબીબની નિમણૂક પણ કરી છે. ૯૩ વર્ષીય કેશુબાપા હાલ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. તેમની સાથે સતત રહેતા શેતલ પંડ્યા પણ સંક્રમિત થયા છે.


