ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-૧૭ એપ્રિલ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે વડા પ્રધાનની આ મુલાકાત રાજકીય રીતે ઘણી મહત્ત્વની ગણાય છે. ઓરિસ્સામાં બે દિવસની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપ્યા પછી રવિવારે સીધા જ વડા પ્રધાન સુરત આવી રોડ શો યોજી ચૂંટણી પ્રચારનું બ્યુગલ વગાડશે. રાજ્યમાં ૧૫૦ પ્લસ બેઠકોના વિજય સંકલ્પ સાથે ભાજપે તૈયારી શરૂ કરી છે તેમાં વડા પ્રધાનની આ પ્રથમ મુલાકાત માટે પક્ષના કાર્યકરો અને રૂપાણી સરકારે પૂરજોશમાં તૈયારી શરૂ કરી છે.
ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ માટે સુરત પર પસંદગી ઉતારાઇ છે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ છે. સુરત એ સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સૌરાષ્ટ્ર પર પ્રભુત્વ ધરાવે છે અને બે વર્ષ પૂર્વે ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર આંદોલનના આર્થિક સ્ત્રોતના તાર પણ સુરત સાથે જ જોડાયેલા હતા. આથી જ ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત લીધી ત્યારે ડાયમંડ સિટીના અનેક અગ્રણી નાગરિકો સાથે એર પોર્ટ ખાતે એક ઔપચારિક બેઠક યોજી હતી. હવે તેઓ સુરતમાં રોડ શો યોજશે અને સુરત સરકિટ હાઉસમાં રવિવારે રાત્રિ રોકાણ કરશે. સોમવારે સવારે પાટીદાર સમાજ નિર્મિત કિરણ હોસ્પિટલનું લોકાર્પણ કરી સમગ્ર સમાજને એક સંદેશો આપશે. આ જ રીતે વડા પ્રધાન દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે સંકળાયેલી સુમુલ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ બાદ જાહેર જનતાને સંબોધન કરશે. ત્યાંથી તેઓ સેલવાસ જશે. સોમવારે બપોર બાદ બોટાદ ખાતે કૃષ્ણસાગર તળાવમાં નર્મદા નીરના વધામણાં કરી સૌરાષ્ટ્રની જનતાને સંબોધન કરશે.
સુરતના મજૂરા મતવિસ્તારના ધારાસભ્ય અને યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હર્ષ સંઘવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૧૬મીએ સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એર પોર્ટ ખાતે આગમન થશે.


