ગાંધીનગરઃ રાજ્યમાં સરેરાશ ૮૧૫ મીમીથી વધુ વરસાદની સામે ૭૨૨ મીમી (૨૯ ઇંચ) એટલે કે ૮૮.૩૮ ટકા વરસાદ વરસી ગયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ૨૫ ટકા વધુ વરસાદ થયો છે. સારા વરસાદને પગલે રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીની સારી આવક થઇ છે. ૨૦૧૮માં ઓગસ્ટના અંત સુધીમાં ૬૨.૯૭ ટકા, ૨૦૧૭માં ૮૩.૭૫ ટકા, ૨૦૧૬માં ૫૬.૬૯ ટકા, ૨૦૧૫માં ૬૫.૧૫ ટકા વરસાદ થયો હતો. ૨૦૧૫થી અત્યાર સુધી ઓગસ્ટ ૧૯ સુધી આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે. કુલ ૨૦૪ ડેમમાંથી ૩૮ ડેમમાં ૧૦૦ ટકા પાણી છે. ૧૯ ડેમમાં ૯૦ ટકાથી વધારે પાણી છે. ૧૧ ડેમમાં ૮૦ ટકાથી વધારે પાણી છે. અત્યારે જળાશયોમાં કુલ ૧૮૭૯૧ એમસીએમ પાણીનો જથ્થો છે. ગત વર્ષે આ સમયે કુલ પાણીનો જથ્થો ૧૦૨૧૭ એમસીએમ હતો એટલે કે માત્ર ૪૦ ટકા પાણીનો સંગ્રહ જ હતો.
૪૯ તાલુકાઓમાં ૧૦૦૦ મીમી કરતાં પણ વધારે વરસાદ છે. ૧૦૯ તાલુકાઓમાં ૫૦૦ મીમીથી (૨૦ ઇંચ) વધુ વરસાદ છે. ૮૭ તાલુકાઓમાં ૨૫૧ મીમીથી ૫૦૦ મીમી વરસાદ છે. ૬ તાલુકાઓમાં ૧૨૫થી ૧૫૦ મીમી સુધી વરસાદ છે. રાજ્યના તમામ તાલુકાઓમાં ૫ ઇંચથી વધારે વરસાદ થયેલો છે. જૂન મહિનામાં સરેરાશ ૧૦૮.૫૯ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે જુલાઇ મહિનામાં સરેરાશ ૨૨૨.૩૭ મીમી વરસાદ થયો છે. ઓગસ્ટમાં અત્યાર સુધી ૩૯૦.૨૫ મીમી વરસાદ થઇ ગયો છે.
સરદાર સરોવરમાં ૮૧ ટકા પાણી
સરદાર સરોવરમાં ૮૦.૬૪ જળસંગ્રહ મળીને રાજ્યના ડેમોમાં જળસંગ્રહ ૭૪.૫૦ છે. સૌરાષ્ટ્રમાં ૫૨ ટકા જ્યારે કચ્છમાં ૬૧ ટકા જળસંગ્રહ છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક ચાલુ છે અને સપાટી ૧૩૨.૮૦ મીટર સુધી પહોંચી ગઇ છે. છેલ્લા ઘણા દિવસોથી સતત આવકને કારણે સરદાર સરોવરમાં પાણીની સપાટી ૧૩૨ મીટર આસપાસ છે. ડેમમાંથી નદીમાં અને કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્ય પ્રદેશમાં પણ સારા વરસાદને પગલે નર્મદા નદીમાં પાણીની આવક સતત ચાલુ છે. જેથી સરદાર સરોવરમાં નિર્ધારિત સપાટીથી છલોછલ છે.
રાજ્યમાં પાણીની સારી આવક
- ઉત્તર ગુજરાતમાં ૩ જિલ્લામાં ૭૦ ટકા વરસાદ થયો છે. ઉ. ગુજરાતનો સરેરાશ વરસાદ ૭૦૯ મીમી છે. એમાંથી અત્યાર સુધી ૪૭૭ મીમી વરસાદ (૬૭.૨૭ ટકા) થયો છે. વરસાદને કારણે જળાશયોમાં નવા પાણી આવ્યા છે.
- મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરમાં ૧૧૮ ટકા વરસાદ થયો છે. મધ્ય ગુજરાતમાં સરેરાશ ૮૧૨ મીમી વરસાદની સામે અત્યાર સુધી ૬૮૧ મીમી વરસાદ થયો છે. ૮૩.૮૫ ટકા વરસાદ પડી ગયો છે. મહિસાગરમાં ૫૪ ટકા જ્યારે દાહોદમાં ૬૬ ટકા વરસાદ થયો છે.
- દક્ષિણ ગુજરાતમાં ૧૦૪ ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૧૪૧૮ મીમી વરસાદ સામે અત્યાર સુધી ૧૪૭૯ મીમી વરસાદ થઇ ગયો છે. કુલ ૧૦૪.૩૦ ટકા વરસાદ પડ્યો છે. નવસારીમાં ૯૧ ટકા વરસાદ છે.
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ મળીને ૩ જિલ્લામાં ૧૦૦ ટકા વરસાદ થયો છે. કચ્છમાં સરેરાશ ૪૦૧ મીમી સામે ૪૧૦ મીમી વરસાદ એટલે કે ૧૦૨ ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ ૬૬૩ મીમી સામે ૫૧૨ મીમી એટલે કે ૭૭.૨૮ ટકા વરસાદ થયો છે.


