ગાંધીનગરઃ ગુજરાતના જૈન સમાજને લાંબા સમયના વિલંબ પછી આખરે રાજ્ય સરકારે લઘુમતીમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના નોટિફિકિશન પછી રાજ્ય સરકારે જૈન સમુદાયને લઘુમતીનો દરજ્જો આપ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ આ અંગેની વિધિવત્ જાહેરાત સાતમી મેએ મીડિયા સમક્ષ કરી હતી. કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં જૈન સમાજને લઘુમતીનો દરજ્જો આપવાનું નોટિફિકિશન બહાર પાડ્યું હતું. જેને અનુસરીને ૧૫ જેટલા રાજ્યોએ તેનો અમલ શરૂ કર્યો હતો, પરંતુ ગુજરાતમાં નિર્ણય લેવામાં વિલંબ થયો હતો. ગુજરાત સરકારે જૈન આગેવાનોની રજૂઆતોના પગલે આ માટેના ધોરણો તૈયાર કરવાની કવાયત હાથ ધરી હતી, પરંતુ તમામ માળખું તૈયાર હોવા છતાં પાટીદાર આંદોલનને પગલે રાજ્ય સરકારે તેની જાહેરાત કરી ન હતી. બીજી તરફ સવર્ણોને આર્થિક અનામતની જાહેરાત કર્યા પછી હવે સરકારે જૈન સમુદાયને લઘુમતીમાં સમાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.
સરકારની સતત બીજી જાહેરાત ભાજપ પ્રમુખે કરી
વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ બન્યા પછી સરકાર અને ભાજપ સંગઠનમાં નોંધપાત્ર ફેરફાર આવ્યા છે. સવર્ણોને આર્થિક અનામતની બાબત સરકારના કાર્યક્ષેત્રમાં હોવા છતાં તેની જાહેરાત પાર્ટીના પ્લેટફોર્મ ઉપરથી પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ કરી હતી. આ જ રીતે જૈનોને લઘુમતીમાં સમાવવાનો નિર્ણય સરકારના અધિકારક્ષેત્રમાં જ આવે છે છતાં તેની જાહેરાત સરકાર કક્ષાએથી થવાના બદલે ભાજપના પ્રમુખે કરી છે. આ બન્ને મુદ્દા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે. રૂપાણીના ખાતાને તેની સાથે કોઈ લેવા દેવા નથી. રૂપાણી પ્રવક્તા પ્રધાન પણ નથી છતાં પ્રદેશ પ્રમુખ હોવાના નાતે તેમણે સતત બીજી જાહેરાત સરકારને બદલે કરી છે.


