ગાંધીનગર: એક તરફ અમદાવાદમાં જાહેર વાહનો શરૂ કરી દેવાયા તો બીજી તરફ કોરોના વાઇરસના ફેલાવામાં બ્રેક મારવા માટે ગુજરાતના અનેક શહેરોમાં નાગરિકો દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર થઈ રહ્યાં છે. રાજકોટ, કચ્છ, સાબરકાંઠા જેવા અનેક જિલ્લાઓમાં કોવિડ-૧૯ વાઇરસના ફેલાવો વધી રહ્યો છે. જેથી હોસ્પિટલોમાં ડોક્ટર્સ-પેરા મેડિકલ સ્ટાફ અને સ્થાનિક પરિસરો, સરકારી આરોગ્ય તંત્ર ઉપર દબાણ વધી રહ્યું છે. સરવાળે કોરોનાથી ચેપગ્રસ્ત દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ચેપનો ફેલાવો અટકે તે ઉદ્દેશ્યથી સુરતના ગ્રામ્ય વિસ્તારોથી લઈને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ સ્વયંભૂ બજારો બંધ રાખવાની જાહેરાત થઈ રહી છે.
રાજકોટમાં સોની બજારના પ્રતિષ્ઠિત વેપારનું કોરોનાને કારણે મૃત્યુ થયા બાદ તમામ વેપારીઓએ એક સપ્તાહ માટે બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ૧૨મી સપ્ટેમ્બરે રાજકોટમાં સોની બજાર અને દાણાબજાર એમ બે મોટા બજારોને એક સપ્તાહ સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. ખેડબ્રહ્મા શહેરમાં પણ સ્થાનિક વેપારી, વ્યવસાયકારોએ એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત ૧૨મીએ કરી હતી. ખેડબ્રહ્મામાં તમામ વેપારી એસોસિયેશન અને વ્યવસાયિકોએ પણ એક સપ્તાહ માટે આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવા સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે.