ગાંધીનગરઃ પાકિસ્તાન અને રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યના વાતાવરણમાં ભારે પલટો નોંધાયો હતો. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. કચ્છમાં ક્યાંક ક્યાંક કરાનો વરસાદ થયો હતો. અમદાવાદમાં ગરમીમાં આંશિક ઘટાડો થવાની સાથે ધૂળની ડમરીઓ ઊડીને પવન ફુંકાયો હતો. થરાદના ચાંગડામાં વીજળી પડતાં ખેડૂતનું મોત નીપજ્યું હતું. સૌરાષ્ટના અમરેલી, રાજુલા, ભાવનગર, મહુવા, ગારિયાધાર, વલભીપુર સહિતના વિસ્તારોમાં પણ કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો.
આમ તો રાજ્યમાં ૧૬મીથી બે દિવસમાં વાતાવરણમાં ભારે પલટો નોંધાયો હતો. જેની અસર ૧૭મી અને ૧૮મીએ પણ જોવા મળી હતી.
ઉત્તર ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતાં અનેક મકાનોના પતરાં ઊડી ગયાં હતા અને સેંકડો વીજપોલ ધરાશાયી થયાં હતાં. મહેસાણામાં પણ ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. પાલનપુરના હેબતપુરમાં વરસાદ સાથે કરા પડ્યા હતા. ચિત્રાસણી ગામમાં ઝાડ પડતાં યુવકનું મોત નીપજ્યું હતું અને આ જ ગામમાં અન્ય પાંચ ઘાયલ થયા હતા જ્યારે અન્ય સ્થળે પણ ત્રણ લોકો ઘવાયા હતા. હિંમતનગરમાં વાવાઝોડા અને વરસાદ વખતે વીજળી પડતાં ૪૦૦થી વધુ પોપટ નીચે પડી ગયા હતા. ૯૬ પોપટ સ્થળ પર જ્યારે બીજા દિવસે વધુ ૪ પોપટ મરી ગયા હતા.
૩૦થી વધુ કાચા મકાનો ધરાશાયી
રાજુલા તાલુકાના ખાંભા, સાવરકુંડલામાં કરા અને ભારે પવન સાથે વરસાદ પડયો હતો અને દેવપરા ગામે ૩૦ જેટલા મકાનોને નુકસાન થયું તો એક બાળકને માથાના ભાગે ઈજા થઈ હતી. રાજુલાના મોરંગી ગામે એક ઈંચ વરસાદ પડ્યો હતો.
કેરી સહિતના પાકને ફરી નુકસાન
કમોસમી વરસાદના પગલે ઉનાળુ બાજરી, કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અગાઉ પણ કેરીનો પાક ખરી પડયો હતો ત્યારે ફરીથી કુદરતે પડતા પર પાટુ મારતાં ખેડૂતો બેહાલની સ્થિતિમાં આવી ગયા છે.


